વીજ ફોલ્ટ:બરડા પંથકમાં વારંવાર વીજળી ગુલ થવાથી લોકો હેરાન પરેશાન

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ ફોલ્ટનું સમયસર સમારકામ થતું ન હોવાની અનેક ફરિયાદો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે પોરબંદરના બરડા પંથકમાં છાશવારે વીજફોલ્ટ સર્જાતા હોય છે. જેને કારણે ગ્રામ્ય પંથકના લોકોને તથા ખાસ કરીને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સર્જાતા વીજ ફોલ્ટનું સમયસર સમારકામ થતું ન હોવાથી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. બરડા પંથકમાં ચોમાસાની ઋતુ દરમિયાન બગવદર પીજીવીસીએલની કચેરી હેઠળ આવતા ખેતીવાડી અને જ્યોતીગ્રામ વીજ લાઇનમાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે. વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને રાત્રીના સમયે વીજ ફોલ્ટ સર્જાય ત્યારે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.

આ વીજ ફોલ્ટ માટે ખેડૂતો જયારે પીજીવીસીએલને રજૂઆત કરે છે ત્યારે સમયસર આ વીજફોલ્ટનું સમારકામ કરવા પણ કોઇ આવતું નથી જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કેશવ ગામના અગ્રણી નાગાભાઇ દ્વારા પીજીવીસીએલ વિભાગને રજૂઆત કરી હતી પરંતુ જવાબદાર તંત્રના કર્મચારીઓ આ પ્રશ્નોનું નિરાકરણ કરતું નથી અને ઉપરથી ગ્રાહકો સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. જયારે વીજ ફોલ્ટ સર્જાય છે ત્યારે સમયસર વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવતો નથી અને સમારકામ કરવામાં દિવસોના દિવસો વીતી જાય છે. જેથી ગ્રામ્ય પંથકના લોકો દ્વારા આ સમસ્યા દૂર કરવા લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...