પોરબંદરના ઈન્દિરાનગર પાછળના ભાગે આવેલા જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહીતી પ્રમાણે ઈન્દિરાનગર પાછળના ભાગે ચાંડેશ્વર મહાદેવના મંદિર જતા રસ્તા પર આવેલા જંગલ વિસ્તારમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. જંગલ વિસ્તારમાં ઓચિંતા જ ભીષણ આગ ભભુકી ઉઠતા સ્થાનિકો દ્વારા આ અંગે પોરબંદર છાંયા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી.
આગ અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડ તાત્કાલીક ઘટનાસ્થળ પર દોડી ગયુ હતુ. ફાયર બ્રિગેડના 15 જેટલા જવાનો અને 4 જેટલી ગાડી અને 1 વોટર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામા આવ્યો હતો. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ 2 લાખ લીટર કરતા વધારે પાણીનો મારો ચલાવ્યા બાદ 5-7 કલાક બાદ આગ પર કાબુ મેળવવામા આવ્યો હતો.
ઉલેખ્ખનીય છે કે, ગત 27 ડિસેમ્બરના રોજ પોરબંદર-સોમનાથ હાઇવે પટ્ટી પર આવેલા જંગલ વિસ્તારમા પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ વિસ્તારમા વારંવાર આગ લાગવાની ઘટના બની રહી છે. ત્યારે આ આગ કોઈ કુદરીતી રીતે લાગે છે કે પછી કોઈ અસામાજીક તત્વો દ્વારા અહીં જાણી જોઈને આગ લગાવવામાં આવી રહી છે. તે અંગે વન વિભાગ સહિતના જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે. અહીં સ્થાનિકો દ્વારા પણ માગ કરવામાં આવી છે કે, વન વિભાગ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરે અને આગ લગાડનાર અસામાજીક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.