અભણ વ્યક્તિ માટે લર્નીંગ લાયસન્સમાં કોમ્પ્યુટરની પરીક્ષા વખતે કોમ્પ્યુટર ચલાવવાની જરૂર રહેતી નથી તે સહિતનો પરિપત્ર કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ પરિપત્રની અમલવારી થાય તે માટે સૂચના આપવા સામાજિક કાર્યકરે માંગ કરી છે.
વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા તાજેતરમાં પરિપત્ર બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, સુરક્ષિત વાહન વ્યવહારનું એક મહત્વનું પરિબળ ડ્રાઇવિંગ લાયસન્સ છે. દરેક પ્રકારના લાયસન્સ મેળવતી વખતે પ્રથમ શિખાઉ લાયસન્સ મેળવવા ટ્રાફિક નિશાનીઓ, સામાન્ય જ્ઞાનની ચકાસણી માટે કસોટી માંથી પસાર થવું ફરજિયાત છે. રાજ્યમાં આ કસોટી કોમ્પ્યુટર દ્વારા લેવામાં આવે છે.
અભણ વ્યક્તિઓ માટે લર્નીંગ લાયસન્સમાં કોમ્પ્યુટરની પરીક્ષા વખતે કોમ્પ્યુટર ચલાવવાની જરૂર નથી, પરંતુ કોમ્પ્યુટર સ્ક્રીન પર લર્નીંગ લાયસન્સ માટે આવતા પ્રશ્નોના સાચા જવાબ ઓળખી, સિલેક્ટ કરવાનું રહે છે. તે માટે ઓછા ભણેલા કે અભણ વ્યક્તિઓને અગવડતા ન પડે તે માટે ટચ સ્ક્રીન તથા અન્ય યંત્રો દ્વારા અભણ વ્યક્તિઓ પ્રશ્નો સાંભળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
કોમ્પ્યુટર અંગેનું સાદું જ્ઞાન પણ ન ધરાવતા નાગરિકોને નિયમોની મર્યાદામાં કસોટીમાં સામાન્ય સહાયરૂપ થવા માટે અભણ, ખેડૂત, ટ્રેકટર લાયસન્સ થી ગ્રામ્ય વિસ્તારના કોમ્પ્યુટરના સંચાલન અને ભાષાકીય બાબતે મુશ્કેલીઓ અનુભવતા ખેડૂતોને ટ્રેક્ટરનું શિખાઉ લાયસન્સ આપવામાં સરળીકરણ અંગે દરેક આરટીઓ, એઆરટીઓને સૂચના આપેલ છે. આ પરિપત્રની અમલવારી થાય અને પોરબંદરમાં અભણ વ્યક્તિને કોમ્પ્યુટર કસોટીમાં અગવડતા ઉભી ન થાય તે માટે સહાયરૂપ થવા સામાજિક કાર્યકરે રજુઆત સાથે માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.