પોરબંદર જિલ્લામાં ખાદ્ય ચીજોમાં ભેળસેળ અને અખાદ્ય પદાર્થોનું વેચાણ કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. પોરબંદર પાલિકાના ફૂડ ઇન્સ્પેકટર તેમજ તેમની ટીમ દ્વારા ખાણીપીણીની લારીઓ, હોટલો, રેસ્ટોરન્ટમાં અવારનવાર ચેકીંગ કરવામાં આવતું હતું. પરંતુ હાલ ફૂડ ઇન્સ્પેકટર સસ્પેન્ડ થતા છેલ્લા 1 માસથી વધુના સમયથી શહેર ઉપરાંત જિલ્લાભર માંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના શિરે છે.
મહત્વની વાત એ છેકે, પાલિકાની બેઠકમાં એજન્ડામા પાલિકાના ફૂડ ઇન્સ્પેકટર ને ઓફિસ હુકમથી તા. 4/1/22થી સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેની સામે આગળની કાર્યવાહી કરવા માટે તપાસ સમિતિ નિમવા અંગે નિર્ણય થયો છે. ઉલ્લેખનીય છેકે ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા પર સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા. રિટાયર્ડ થાય તો પણ આ જગ્યા ખાલી રહેશે. જેથી પાલિકાની ફૂડ વિભાગની જવાબદારી રહશે નહિ.
ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવા માટેની સતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની હોય અને પરંતુ સમગ્ર જિલ્લો કાર્યક્ષેત્રમાં આવતો હોય ત્યારે આ ટીમ દરેક જગ્યાએ પહોંચી ન શકે. જોઈએ તેટલા નમૂના લઇ ન શકે જેથી ભેળસેળ યુક્ત ધી, તેલ, મસાલા સહિતના પદાર્થો ઉપરાંત સસ્તી મીઠાઈઓનું બજારમાં ખુલ્લેઆમ સસ્તાભાવમાં વેચાણ થઈ રહી હોવાની શક્યતા છે જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જાન્યુઆરીમા જિલ્લાભર માંથી 38 અને ફેબ્રુઆરીની 11 તારીખ સુધીમાં 13 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
રાણાવાવ કુતિયાણા પાલિકામાં ફૂડ ઇન્સ્પેકટરની જગ્યા નથી
સરકારના નિર્ણય મુજબ જેતે વખતે જે પાલિકા ખાતે ફૂડ ઇન્સ્પેકટર હતા તેને ચાલુ રાખવા તથા જે પાલિકામાં ફૂડ ઇન્સ્પેકટર નથી તે જગ્યા ન ભરવા નિર્ણય લેવાયો હતો જેથી રાણાવાવ અને કુતિયાણા પાલિકામાં ફૂડ ઇન્સ્પેકટર નથી.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં કેટલી જગ્યા ભરેલ છે?
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જિલ્લાભર માંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાના હોય છે ત્યારે પોરબંદરની આ કચેરી ખાતે 2 ફૂડ સેફટી ઓફિસર તથા 1 સિનિયર સેફટી ઓફિસર છે. આ બે ટીમ દ્વારા જિલ્લાભરની કામગીરી થાય છે.
સેમ્પલનો રિપોર્ટ પણ 1 થી 2 માસે આવે છે
મહત્વની વાત એ છેકે પોરબંદર જિલ્લા માંથી જે ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવે છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વડોદરા ખાતે લેબમાં મોકલવામાં આવે છે. જ્યાંથી સેમ્પલનો રિપોર્ટ 1 થી 2 માસ જેટલો સમય લાગી જાય છે તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.