તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાઓ છાત્રોથી હાઉસફુલ:જિલ્લામાં ધો.11ની તમામ શાળાઓ છાત્રોથી ફૂલ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો. 10માં માસ પ્રમોશન થતાં ગત વર્ષની સરખામણીએ 3081 છાત્રોનો વધારો થયો, કેટલીક શાળાઓ ખાતે ધો.11ના છાત્રો માટે વેઇટિંગ
  • વર્ગોમાં વધારે છાત્રો મુક્યા છતાં વર્ગો ઘટતા છાત્રો પ્રવેશથી વંચિત

પોરબંદર જિલ્લામાં ધો.11ની તમામ શાળાઓ છાત્રોથી હાઉસફુલ થઈ છે. ધો. 10મા માસ પ્રમોશન થતા ગત વર્ષની સરખામણીએ 3081 છાત્રોનો વધારો થયો છે જેથી કેટલીક શાળાઓ ખાતે ધો.11ના છાત્રો માટે વેઇટિંગમા નામ લખવામાં આવ્યા છે.

કોરોનાની મહામારીને પગલે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું અને ઓનલાઇન શિક્ષણ ચાલુ છે ત્યારે સરકારે ધો. 10ના છાત્રોને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં આ વખતે માસ પ્રમોશનમાં ધો. 10ના કુલ 7073 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે.

પરિસ્થિતિ એ છે કે ગત વર્ષે ધો. 10ના 6767 નોંધાયેલ છાત્રો માંથી 3992 છાત્રો પાસ થયા હતા. આ વખતે માસ પ્રમોશન થતા આ વખતે 3081 છાત્રો વધ્યા છે જેથી 11 મા ધોરણમાં એડમિશન લેવા માટે પડાપડી બોલી હતી. હાલ ગુજરાતી માધ્યમની શાળાઓ કે જ્યાં 11 મુ ધોરણ ચાલુ હોય તેવી જિલ્લામાં 74 શાળાઓ આવેલી છે અને માસ પ્રમોશનના લીધે વર્ગો કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી હોવાથી દરેક શાળાઓમાં ધો. 11મા એડમિશન ફૂલ થયા છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

હાલની સ્થિતિ એવી છે કે જિલ્લાની ધો. 11ની શાળાઓમાં ધો. 11મા પ્રવેશ મેળવવા માટે છાત્રોએ પડાપડી બોલાવતા ધો. 11ની તમામ શાળાઓના વર્ગોમા છાત્રોની સંખ્યા વધી છે અને વર્ગો વધારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

કેટલીક શાળાઓમાં ધો. 11ના છાત્રો માટે વેઇટિંગ થયું છે. છાત્રો વેઇટિંગમાં નામ લખાવી રહ્યા છે. માસ પ્રમોશન બાદ ધો. 11મા પ્રવેશ મેળવવા માટે વિકટ સ્થિતિ ઉભી થઇ છે. વર્ગોમાં વધુ છાત્રોને પ્રવેશ આપવા છતાં કેટલાક છાત્રો પ્રવેશથી વંચિત રહ્યા છે.

જિલ્લામાં અંગ્રેજી માધ્યમની ધો.11 અને 12ની સરકારી કે ગ્રાન્ટેડ શાળા નથી
મહત્વની વાત એ છે કે જિલ્લામાં અંગ્રેજી માધ્યમની ધો 11 અને 12ની સરકારી કે ગ્રાન્ટેડ એકપણ શાળા નથી. વિદ્યાર્થીઓને ફરજિયાત અંગ્રેજી માધ્યમ માટે ખાનગી શાળામાં જવું પડે છે.

વર્ગોનો વધારો કરવા NSUI દ્વારા આવેદન પાઠવાયું
માસ પ્રમોશન થતા ધો. 11મા પ્રવેશ મેળવવા છાત્રોનું વેઇટિંગ થયું છે ત્યારે વર્ગોમાં વધારો કરવા તેમજ કોઈ વિધાર્થી પ્રવેશથી વંચિત ન રહે તે માટે તાકીદે વિદ્યાર્થીઓ માટે વર્ગની વ્યવસ્થા કરવા જિલ્લા NSUI ટીમે શિક્ષણ અધિકારીને આવેદન પાઠવ્યું હતું. અને જો છાત્રોના હિતમાં નિર્ણય વહેલો નહિ આવે તો તળાબંધી સહિત ઉગ્ર દેખાવો કરવાની ચીમકી આપી છે.

ધો. 11ના છાત્રોના પ્રવેશ પ્રક્રિયા અંગે કોઈ ફરિયાદ આવી નથી. જે ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા કામચલાવ વર્ગ વધારાની ડિમાન્ડ હતી તે નિયમ મુજબ મંજુર કરી છે જ્યારે સરકારી શાળાઓમા વર્ગ વધારાની ડિમાન્ડ કમિશનર કચેરી સુધી મોકલાવી દીધી છે. > કે.ડી. કણસાગરા, જિલ્લા શિક્ષણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...