લોકડાઉન 4:નો ફિશિંગ ઝોનમાં માછીમારી : 8 બોટના લાયસન્સ રદ, ભારતીય જળસીમા ક્રોસ કરી હોવાથી ડીઝલ કાર્ડ કાયમી રદ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય જળસીમાના નો ફિશીંગ ઝોનમાં ફિશીંગ કરતા માછીમારોને પોરબંદર કોસ્ટગાર્ડે પકડી ડોક્યુમેન્ટ જપ્ત કર્યા
  • ફિશરીઝ વિભાગ દ્વારા 5 બોટના ડીઝલ કાર્ડ 1 વર્ષ માટે અને 3 બોટે ભારતીય જળસીમા ક્રોસ કરી હોવાથી ડીઝલ કાર્ડ કાયમી રદ કરાયા

ભારતીય જળસીમાના નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતા પોરબંદર જિલ્લાની 8 બોટના માછીમારો ને પોરબંદર કોસ્ટગાર્ડે પકડી લીધા હતા અને ડોક્યુમેન્ટ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ફિશરીઝ વિભાગને સોંપતા તેઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 8 બોતોના ફિશિંગ લાયસન્સ રદ કરી, 5 બોટના ડીઝલ કાર્ડ 1 વર્ષ માટે અને 3 બોટના ડીઝલ કાર્ડ કાયમી માટે રદ કર્યા છે. ભારતીય જળસીમાના નો ફીશીંગ ઝોનમાં માછીમારી કરવાની મનાઈ છે, અવારનવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટો સહિત માછીમારો ના અપહરણ કરવામાં આવે છે, ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા માટે સતર્કતા દાખવતું હોય છે,  દરિયામાં પ્રદૂષણના કારણે માછલીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાથી ઘણા માછીમારો ભારતીય જળસીમા નજીક માછીમારી કરતા હોય છે.

ત્યારે ગત તા. 17/05 પહેલા 8 જેટલી બોટ ના માછીમારો ભારતીય જળસીમાના નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડે કાર્યવાહી કરી 8 બોટને પકડી પાડી હતી, અને ડોક્યુમેન્ટ જપ્ત કરી આગળની કાર્યવાહી  ફિશરીઝ વિભાગને સોંપી હતી, ત્યારે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા મુજબ 8 બોટ માલિકો સામે કાર્યવાહી હાથ ધરી તેઓના ફિશિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે, અને 8 બોટ પૈકી 5 બોટના ડીઝલ કાર્ડ 1 વર્ષ માટે સ્થગિત કર્યા છે, તેમજ 3 બોટ ના માછીમારોએ 2 વખત ભારતીય જળસીમા ક્રોસ કરી હોવાથી 3 બોટના ડીઝલ કાર્ડ કાયમી ધોરણે રદ કર્યા છે.
1 વર્ષ માટે ડીઝલ કાર્ડ સ્થગિત, 5 બોટના નામ
ફિશરીઝ વિભાગ દ્વારા 8 બોટ પૈકી 5 ના ડીઝલ કાર્ડ ને 1 વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યા છે, જેમાં શુભરાજ, કનૈયા, રામજી સાગર અને  શુભ સાગર બોટનો સમાવેશ થાય છે.
કાયમી ધોરણે ડીઝલ કાર્ડને રદ કરેલી બોટના નામ
ભારતીય જળસીમા માં નો ફિશિંગ ઝોનમાં 2 વખત માછીમારી કરવા ગયેલી જશોદામૈયા, તન્ના અને તુલસીસાગર નામની કુલ 3 બોટના ડીઝલ કાર્ડ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
 90 દિવસ સુધી અપીલમાં ન જઈ શકે
ભારતીય જળસીમાના નો ફિશિંગ ઝોનમાં 8 બોટના માછીમારો ફિશિંગ કરતા પકડાયા હોવાથી બોટના ફિશિંગ લાયસન્સ રદ કરવામાં આવતા બોટ માલિકો 90 દિવસ સુધી અપીલમાં જઈ શકતા નથી, 90 દિવસ બાદ અપીલમાં જશે તો જે ન્યાય થશે તે માન્ય રહેશે. અન્ય બોટો ને પ્રોત્સાહન ન મળે અને કાયદાનો ભંગ ન થાય તે માટે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરી છે. > વી.કે.ગોહેલ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, ફિશરીઝ વિભાગ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...