ચોમાસુ નજીક છે ત્યારે તા. 1 જુનથી માછીમારોની સિઝન પુરી થઈ છે. માછીમારો હવે બોટને ટામકટીમક શરૂ કરશે. દરવર્ષે ચોમાસાની સીઝનમાં માછીમારો બોટનું રીપેરીંગકામ કરે છે.પોરબંદરમાં માછીમારી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પુરી પાડે છે સાથોસાથ કરોડો રૂપિયાનું હૂંડિયામણ કમાઈને આપે છે. ગુજરાતનું 5 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે જેમાં પોરબંદર માછીમારની મહત્વની ભૂમિકા રહે છે.
ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તા. 1 જુનથી માછીમારીની સિઝન પૂર્ણ કરવા ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પોરબંદરના બંદર પર બોટો લાંગરવામાં આવી છે. પોરબંદરમાં 1485 પીલાણા, 2174 બોટ અને 11 ડીપ સી ફિશિંગ બોટ રજિસ્ટર્ડ થયેલ છે. માછીમારીની સિઝન પૂર્ણ થતા આ બોટો બંદર પર પાર્ક કરવામા આવી રહી છે. હવે માછીમારોને વેકેશન પડ્યું છે. બોટના ટોકન આપવાનું બંધ થયું છે.
માછીમારોની સિઝન પૂર્ણ થતાં બોટ માલિકો બોટનું ટામકટીમક શરૂ કરશે. બહારગામથી આવેલ માછીમારો પોતાના વતન જશે. બોટ માલિકો પોતાની બોટોનું સમારકામ, કલરકામ કરી બોટની મેન્ટેનન્સ કામગીરી કરશે. હિસાબ કિતાબ કરશે.
બંદર પર સુવિધા વધારવા માંગ
હાલ માછીમારીની સિઝન પુરી થઈ છે ત્યારે બંદર પર બોટ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ થવો જોઈએ. વર્ષોથી માછીમારોની માંગ છેકે, અહીં બોટમાં આગ લાગે તો કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે જેથી ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ. માછીમારોને ડીઝલ પર પૂરો વેટ મળવો જોઈએ. માછીમારોની સિઝન ખુલે તે પહેલા બંદર પરની સમસ્યાનું નિરાકરણ લાવવા માછીમાર આગેવાન અશ્વિન મધુભાઈ જુંગીએ સરકાર સમક્ષ માંગ કરી છે.
માછીમારો શુભ પ્રસંગોની ઉજવણી કરશે
માછીમારીની સિઝન પૂર્ણ થઈ છે ત્યારે માછીમારો સમાજ પોતાના પરિવારમા સગાઈ, લગ્ન સહિત ધાર્મિક આયોજન અને શુભ પ્રસંગોની ઉજવણી કરતા હોય છે.
માછીમારીની સિઝન મંદી ભરી રહી
દરિયામાં પ્રદુષણના કારણે માછલીનો જથ્થો ઓછો મળે છે, ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા. જેથી ફિશિંગ ટ્રીપમા આવક કરતા ખર્ચ વધુ થયો હતો. જેને કારણે મોટાભાગના બોટ માલિકોએ બે માસ પૂર્વે જ બોટને લાંગરી દીધી હતી. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા બોટ સાથે માછીમારોના અપહરણ તથા વાવાઝોડાની સ્થિતિ વચ્ચે માછીમારોની સિઝન મંદીભરી રહી હોવાનું માછીમાર આગેવાનો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.