હવામાન:ચક્રવાતને કારણે 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી અપાઇ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયા તોફાની થાય તેમ હોય ફિશરીઝ વિભાગે ટોકન ઇસ્યુ કરવાનું પણ બંધ કર્યું

હવામાન વિભાગ દ્વારા ચક્રવાતને કારણે દરિયો તોફાની થવાની શકયતાને જોઇ આજથી 3 દિવસ સુધી માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ચેતવણીના પગલે ફિશરીઝ વિભાગે પણ માછીમારીના ટોકન ઇસ્યૂ કરવાનું કામ બંધ કરી દીધું છે. બીજી તરફ આજે પોરબંદરમાં બપોર બાદ ભારે પવન ફૂંકાયો હતો અને એકાએક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

હવામાન ખાતાની માહિતી મુજબ આજથી તા. 13 સુધી દરિયો તોફાની બનવાની શકયતાને લીધે તેમજ ચક્રવાત આવે તેવી શકયતાને જોતા ગુજરાતના મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા માછીમારોને આજથી 3 દિવસ સુધી દરિયામાં માછીમારી કરવા ન જવાની સાવચેતીના ભાગ સ્વરૂપે ચેતવણી આપવામાં આવી છે તેમજ તમામ બોટ, હોળી અને ટંડેલ તથા ખલાસીઓને બંદર પર સલામત અને સુરક્ષિત રીતે રાખવા ખાસ સૂચના અપાઇ છે.

દરિયો તોફાની બને તેવી શકયતાને જોતા માછીમારો દરિયામાં માછીમારી કરવા ન જાય તે માટે માછીમારીની બોટના ટોકન ઇસ્યૂ કરવાનું કામ પણ મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા તાત્કાલીક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. જયારે બીજી તરફ વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા પોરબંદરમાં જન્માષ્ટમી પહેલાથી બંધ થઇ ગયેલા વરસાદે આજે ગાજવીજ સાથે ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરબાદ પોરબંદરમાં વરસેલા વરસાદે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાતા વાતાવરણ એકાએક તોફાની બની ગયું હતું અને થોડી જ વારમાં આખા પોરબંદર શહેરમાં પાણી ફરી વળ્યા હતા. જો કે થોડીવારમાં આ લખાય છે ત્યારે વરસાદે વિરામ લઇ લીધો હતો.

માધવપુરમાં ઝાપટા
પોરબંદરમાં 9 તારીખથી બપોરે વરસેલા વરસાદે માધવપુરમાં 8 તારીખે રાત્રેજ એન્ટ્રી કરી લીધી હતી, અને 9 તારીખે પણ ધમાકેદાર એન્ટ્રી કરતા અ માધવપુરમાં વરસેલા ઝાપટાએ થોડી જ વારમાં સમગ્ર માધવપુરમાં પાણી પાણી કરી દીધું હતું. જેને લીધે માધવપુર ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.

ગરમીમાં નહીવત વધારો
પોરબંદરમાં ચોમાસાની ઋતુ પૂરી થઇ ગઇ હોય તેમ બફારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જો કે ગઇકાલ કરતા આજે તાપમાનનો પારો ઉંચો જતા ગરમીના પ્રમાણમાં આંશીક વધારો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં આજે વધારો નોંધાતા આજનું મહતમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્શીયસમાં અને લઘુતમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્શીયસમાં નોંધાયું છે જેને લીધે ગરમીમાં વધારો જણાતા તાપમાનમાં આંશીક વધારો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...