પાલિકા તંત્ર આરંભે જ શુરૂ બન્યું હતુ:પોરબંદર પાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશનો ફિયાસ્કો, 4000 રખડતા અને રઝળતા પશુઓએ પોરબંદર શહેરને બાનમાં લીધું છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસરે કહ્યું હતું 1 માસમાં મોટાભાગના પશુ પકડાઈ જશે, 60 ઢોર પકડી સંતોષ માની લીધો, લોકો ત્રાહિમામ

પોરબંદર પાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી પરંતુ આ ઝુંબેશનો ફિયાસ્કો થયો છે. માત્ર 60 ઢોરને પકડવામાં આવ્યા છે. હાલ 4000 જેટલા રઝળતા અને રખડતા ઢોરે શહેરને બાનમાં લીધું છે. પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર વાંરવાર બનતા અકસ્માતના બનાવો નિવારવા પોરબંદર પોલીસ અને પોરબંદર છાંયા નગરપાલિકા દ્રારા સંયુકત ઉપક્રમે તા. 22/09ના રોજ જાહેરાત કરાઈ હતી જેમાં રખડતા ભટકતા પશુઓની સાર સંભાળ માટે પાંજરાપોળ ખાતે રાખવાની વ્યવસ્થા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

જેથી પાલિકા અને પોલીસ દ્વારા પશુ માલીકોને અપીલ કરવામાં આવી હતી કે, પોતાના પશુઓને જાહેર સ્થળો કે માર્ગો પર છોડે નહીં. શરૂ થયેલ ઝુંબેશમાં જો કોઇ પશુ માલીકોના પશુઓ જાહેર માર્ગો કે જાહેર સ્થળો પર જોવા મળશે તો પશુ માલીકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી પશુ માલિકોને પોતાના પશુઓને પોતાની પાસે યોગ્ય વ્યવસ્થા કરી ત્યા સાચવી રાખવા જણાવવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે 14 પશુ અને બીજે દિવસે 12 પશુ પકડયા હતા. બાદ આ ઝુંબેશ ચાલુ રાખી કુલ 60 ઢોર ને પકડી લેવામાં આવ્યા છે. બાદ આ ઝુંબેશ પડતી મુકવામાં આવી છે.

હાલ શહેરની મોટાભાગની ગલીઓમાં અને રસ્તાઓ પર પશુઓ રઝળી રહ્યા છે. પાલિકાના કર્મીના કહેવા મુજબ શહેરમાં રઝળતા અને રખડતા 4000 જેટલા પશુઓ છે જે શહેરને બાનમાં લઈને બેઠા છે. ત્યારે પાલિકા દ્વારા પશુ પકડવાની ઝુંબેશનો ફિયાસ્કો થયો હોય તેમ માત્ર 60 ઢોર પકડીને સંતોષ માની લીધો છે. ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ ઝુંબેશના પ્રારંભે કહ્યું હતું કે, 1 માસમાં શહેરને પશુઓના ત્રાસથી મુક્ત કરવામાં આવશે પરંતુ પાલિકા તંત્ર માત્ર પ્રારંભે જ શુરા થયા હતા. હાલ શહેરમાં પશુઓના ત્રાસથી પ્રજા પરેશાન છે ત્યારે પશુઓના ત્રાસથી મુક્તિ મળે તેવું શહેરીજનો ઇરછી રહ્યા છે.

12 લોકોનો સ્ટાફ અન્ય કામમાં જોતરાયો
પાલિકા પાસે પશુઓ પકડવા 2 પાંજરા અને વાહન છે તેમજ કોન્ટ્રાકટ બેઇઝ 12 નો સ્ટાફ છે. જે ડ્રાઇવર અને સફાઈકર્મી છે. પશુ પકડવાની ઝુંબેશ મંદ પાડી દેવાતા આ સ્ટાફ સફાઈ સહિતના કામોમાં જોતરાઈ ગયો છે.

પોલીસ તો સપોર્ટ કરે છે - પીઆઇ
પશુ પકડવા માટે ઝુંબેશ શરૂ કરી હતી જેમાં પોલીસે પૂરતો સપોર્ટ કર્યો છે અને જ્યારે પાલિકા તંત્ર કહે ત્યારે પોલીસ સ્ટાફ હાજર છે. પોલીસનો સપોર્ટ હમેશા માટે છે. પાલિકા તંત્ર કહે ત્યારે પોલીસ સ્ટાફ ફાળવવામાં આવે છે. - એચ.બી.ધાંધલીયા, પીઆઇ, કમલાબાગ

ઘાસચારો વેંચતા લોકોને પકડવામાં આવશે
​​​​​​​નવરાત્રી હોવાથી પશુ પકડવાની ઝુંબેશ બંધ કરી છે. શહેરમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેંચતા લોકોને પણ પકડવામાં આવશે. 2 દિવસ પછી પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. પોલીસ સપોર્ટ કરે જ છે. > જગદીશભાઈ ઢાંકી, હેલ્થ ઓફિસર, પાલિકા, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...