રાણાવાવના બિલેશ્વર મહાદેવ ખાતે આસપાસના ખેડૂતોએ 2000 કિલો કેસર કેરીનો મનોરથ કર્યો છે અને આ કેરીને પ્રસાદ તરીકે રાણાવાવ તાલુકાની આંગણવાડીના બાળકો, ધાત્રી મહિલાઓ- વગેરેને આપવામાં આવી હતી.
ભીમ-અગિયારસની વિશિષ્ઠ ઉજવણી કરાઈ
આ અંગે પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે,આધ્યાત્મિકતા જ્યારે માનવ સેવા તરફ વળે ત્યારે સમાજનો ખરા અર્થમાં વિકાસ થાય છે, આજે અહીં રાણાવાવ ખાતે બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભીમ-અગિયારસની વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવી છે. આસપાસના કેરીના બગીચા ધરાવતા ખેડૂત દાતાઓએ 2000 કિલો કેરીનો નૈવેદ્ય ભગવાન ભોળાનાથને ધરાવ્યો છે. આ પ્રસાદ રાણાવાવ તાલુકાની આંગણવાડીના બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓને આપવામાં આવશે.
એક મહિના પૂર્વે આ કાર્યનો સંકલ્પ કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું ખાસ તો અહીંના ખેડૂત ભાઈઓનો આભારી છું કે તેઓ આટલા સુંદર કાર્યમાં સહભાગી થયા. અમારી ટીમ દ્વારા એક મહિનાના અથાગ પરિશ્રમ બાદ આજની આ સુંદર વ્યવસ્થા થઈ છે. એક મહિના પૂર્વે 10મીના રોજ જ્યારે હું અહીં આવ્યો અને મંદિરની મુલાકાત લીધી ત્યારે મને વિચાર આવ્યો હતો કે નહીં આવું સુંદર કાર્ય થઈ શકે પરંતુ આ તો મહાદેવની ઈચ્છા હતી એટલે થઈ શક્યો અને હું તો માત્ર આ સુંદર કાર્યમાં નિમિત્ત બન્યો છું.
1300 વર્ષ જૂનું મંદિર હોવાનું જણાવાઈ રહ્યું છે
નોંધનીય છે કે, આ મંદિર આશરે 1300 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું જણાવાઈ રહ્યું છે. શિવલિંગમાં શિવની સમીપમાં જ નંદી મહારાજ બિરાજમાન હોય છે જ્યારે અહીં નદી શિવના શિવાલયની બહાર ઉંચા ઓટલા પર બિરાજમાન છે.
ભગવાન શ્રીકૃષ્ણએ મંદિર ખાતે પ્રથમ પૂજા કરી હતી
આ મંદિરની પૌરાણિક કથા અનુસાર આ મંદિર ખાતે પ્રથમ પૂજા ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી. પોતાના ઘરે પુત્ર પ્રાપ્તિના આશયથી પૂજા કરી હોવાની લોક વાયકા છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલિંગ પર સવા લાખ કમળ ફૂલ ચડાવી પૂજા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.