આયોજન:દિવાળી દરમિયાન એકસ્ટ્રા બસ દોડાવાશે

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ, જૂનાગઢ, દ્વારકા સહિત અન્ય રૂટ ઉપર બસ દોડાવવાનું આયોજન કરાયું

દિવાળીના તહેવારમાં રોશનીની સાથે-સાથે હરવા ફરવાનું પણ મહત્વ વધતું જતું હોય મુસાફરોની સગવડતાને ધ્યાને રાખી પોરબંદર એસટી ડેપો દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન એકસ્ટ્રા બસો દોડાવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત પોરબંદરથી સોમનાથ, જૂનાગઢ, દ્વારકા સહિતના રૂટો પર વધુ બસ દોડાવવામાં આવશે અને જરૂર પડીયે અન્ય રૂટ ઉપર પણ વધુ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. દિવાળીનો તહેવાર અને દિવાળીનું વેકેશન હોય એટલે લોકો રજા માણવા સગાવહાલાઓને ત્યાં અને હરવા ફરવાના સ્થળો પર તેમજ ધાર્મિક સ્થળો પર ફરવા નિકળી પડે છે.

આ દિવસો દરમિયાન રેલ્વે હોય કે ટ્રાવેલ્સની બસો હોય કે પછી એસટીની બસો હોય તમામ અવરજવરના વાહનો ફૂલ થઇ જાય છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાને લઇ પોરબંદર એસટી ડેપો દ્વારા દિવાળીના તહેવારો પર એકસ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયું છે. એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવતી હોવાના કારણે એસટી ડેપો વિભાગને વધુ આવક પણ થાય છે. હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દિવાળીના તહેવારને લઈ લોકો હરવા ફરવા માટે જવાના પ્લાનિંગ કરે છે.

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાજીની જન્મભૂમિ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના પર્યટકોનું આગમન થાય છે. પ્રવાસીઓનો પોરબંદરમાં ઘસારો રહે છે અને પોરબંદરથી પણ અનેક લોકો વિવિધ સ્થળે હરવા ફરવા માટે જઇ રહ્યા છે ત્યારે દિવાળીના વેકેશન દરમિયાન લોકોની અવરજવર ખૂબ વધી જાય છે. અને ધન તેરસ પહેલાથી જ સ્થાનિક લોકો વધુ સંખ્યામાં અવરજવર કરે છે. લોકોની વધી જતી અવરજવરને ધ્યાને લઇ એસટી બસ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દર વર્ષે દોડાવવામાં આવતી હોય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એસટી ડેપોના મેનેજરના જણાવ્યા મુજબ સોમનાથ, જૂનાગઢ, દ્વારકા સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. અને જરૂર પડ્યે અન્ય રૂટ પર પણ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ધનતેરસથી લઈ દિવાળીના તહેવાર બાદ લાભ પાંચમ સુધી ટ્રાફિકનો ઘસારો રહેતો હોય છે. જેથી તે દિવસ સધી એક્સ્ટ્રા રુટની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

દર વર્ષે તહેવાર દરમિયાન દૈનિક ચાર લાખ રૂપિયાની આવક વધે છે

પોરબંદર એસટી વિભાગના ડેપો મેનેજર હીરીબેન કટારાના જણાવ્યા મુજબ દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવતી હોય છે ત્યારે એસટી ડેપોની આવકમાં બમણો વધારો થાય છે. દરરોજ પાંચ લાખ રૂપિયાની આસપાસ આવક થતી હોય છે, જે વધીને આઠ થી નવ લાખ રૂપિયાએ પહોંચે છે. આમ આશરે ચાર લાખ રૂપિયાની આસપાસ દિવાળીના તહેવાર દરમિયાન ડેપોની આવકમાં વધારો થાય છે.
પોરબંદર એસટી ડેપો પાસે 70 જેટલી બસ છે
પોરબંદર એસટી ડેપો પાસે હાલ 70 જેટલી બસ છે. ખાસ કરીને દિવાળી સહિતના પ્રસંગોપાત અને લોકમેળાઓ ઉપરાંત પરિક્રમા સમય દરમિયાન પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. ત્યારે પોરબંદર એસટી ડેપોમાં કાયમી ધોરણે 6 જેટલી વધારાની એક્સ્ટ્રા બસ રાખવામાં આવી છે. જરૂર પડે આ બસો તાત્કાલિક ધોરણે એક્સ્ટ્રા રુટ પર દોડાવવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...