કમોસમી વરસાદ:ધોધમાર વરસાદ પડતાં ખેતર પાણીમાં ગરકાવ, વીજળીના કડાકા-ભડાકા સાથે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને વ્યાપક નુકસાન

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં શનિવારના દિવસે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણીમાં ગરકાવ બન્યા હતા, અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોવાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. છેલ્લા થોડા દિવસોથી શિયાળાની ઋતુ દરમિયાન ચોમાસું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે, અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી આપી હોવાના પગલે વરસાદ પડ્યો છે. પોરબંદર જિલ્લામાં જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થયો છે.

જિલ્લાભરમાં ક્યાંક અડધો ઇંચ તો ક્યાંક દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને આકાશ થોડા સમયથી વાદળછાયુ બની ગયું છે. જ્યારથી વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાં પડ્યા છે, શનિવારના દિવસે વહેલી સવારથી જ શિયાળામાં જાણે ચોમાસું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અને આકાશમાં વીજળીના કડાકા-ભડાકા થવા લાગ્યા હતા. પોરબંદરમાં ઠંડા પવનો ફુંકાયા બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા, તો ક્યાં દે ધનાધન ધોધમાર વરસાદ પડતા દોઢ ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું.

બપોર બાદ વાતાવરણ ચોખ્ખું થયું હતું. ચોમાસાની ઋતુએ વિદાય લીધી છે પરંતુ હાલ શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને જિલ્લાભરના રાણાવાવ, આદિત્યાણા, સોઢાણા, અડવાણા, બખરલા, દેગામ, ફટાણા, ખામ્ભોદર, ગોરાણા, વિસાવાડા, પારાવાડા, તેમજ માધવપુર આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં શિયાળું પાક વાવેતર કર્યું છે, પરંતુ કમોસમી વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતો અને બરડા પંથકમાં ખેડૂતોના ઘઉં, ધાણા, જીરૂ, ચણા સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે.

બખરલા સહિતના ગામોમાં વરસાદી પાણીમાં પાક ગરકાવ
પોરબંદર નજીક આવેલ બખરલા ગામે ભારે વરસાદ પડયો હોવાથી ખેતરોમાં પાણી વહેતા થયા હતા, અને ધોધમાર વરસાદ પડયો હોવાના પગલે ખેડૂતોનો પાક વરસાદી પાણીમાં ગરકાવ બન્યો હતો, ખેડૂતોએ વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ બનતા વ્યાપક પ્રમાણમાં નુકસાનીનો ભય ખેડૂતોમાં સેવાઇ રહ્યો છે.

રાણાવાવમાં વરસાદ પડતાં જીરૂં, ધાણા, ચણાના પાકને નુકસાન
સમગ્ર જિલ્લાની સાથે રાણાવાવ પંથકમાં કમોસમી વરસાદ પડયો છે, જેના કારણે ખેડૂતોના ચણા, ઘઉં, જીરું, ધાણાના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જેથી સરકાર દ્વારા સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂત અગ્રણી પ્રતાપ ખીસ્તરીયાએ કરી છે.

પોરબંદર શહેરમાં ચોપાટી અને જાહેર રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા
પોરબંદર શહેરમાં ચોપાટી અને જાહેર રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા-ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ પડતા રાજમાર્ગો પર વરસાદી પાણી દોડતા થયા હતા, અને ચોપાટી પર વરસાદી પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે.

શિંગડા અને ફટાણા વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરમાં પાણી વહેતા થયા
પોરબંદર પંથકમાં અમુક સ્થળોએ અડધો ઇંચ તો અમુક સ્થળોએ દોઢ ઇંચ જેટલુ વરસાદી પાણી વરસ્યું છે, ત્યારે શીંગડા, ફટાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડયો હોવાના કારણે વરસાદી પાણી ખેતરોમાં વહેતા થયા હતા.

માધવપુરમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
સમગ્ર જિલ્લાની સાથો સાથ માધવપુર પંથકમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ધોધમાર વરસાદ પડયો હતો, અને માધવપુરના રાજમાર્ગો પરથી પાણી વહેતા થયા હતા, ત્યારે ખેડૂતોએ વાવેતર કરેલ શિયાળું પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યુ છે. ખેડૂતોના પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન પહોંચ્યું હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...