વિદેશી પક્ષીઓ કાઠિયાવાડની મહેમાનગતિએ:પોરબંદરના 21 જળપ્લાવિત વિસ્તારોમાં યુરોપ, અફઘાનિસ્તાન અને બલોચિસ્તાનથી મહેમાન આવ્યાં

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિયાળામાં યુરોપની ઠંડીથી બચવા અને ખોરાકની અછતને લીધે પોરબંદરના મહેમાન બને છે

શિયાળાની ઋતુમાં યુરોપમાં ઠંડીની પ્રમાણ વધી જતા અને ખોરાક માટે મુશ્કેલીઓ સર્જાતા દર શિયાળે પોરબંદરના મહેમાન બનતા વિદેશી પક્ષીઓથી પોરબંદરના જળપ્લાવિત વિસ્તારો આ શિયાળે પણ ઉભરાઇ રહ્યા હોય પક્ષીપ્રેમીઓને મોજ પડી ગઇ છે અને સમગ્ર પોરબંદર જીલ્લો દેશી-વિદેશી પક્ષીઓને લીધે પક્ષી નગરી બની ગયો છે.

પોરબંદરના પક્ષીપ્રેમી ભરતભાઇ રૂઘાણી પોરબંદરમાં મહેમાન બનતા દેશી-વિદેશી પક્ષીઓ વિશે માહતી આપતા જણાવે છે કે યુરોપમાં શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું હોય અને જળાશયોમાં બરફ જામી જતો હોવાથી પક્ષીઓને ખોરાક ન મળતો હોવાના કારણે વિદેશી પક્ષીઓ દરિયાઈ માર્ગે પોરબંદરના મહેમાન બને છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં સુરખાબી નગરી પોરબંદર ખાતે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પક્ષીઓ અહીં ઉતરી આવ્યા છે.

પોરબંદર શહેર અને જિલ્લાભરમાં આવેલ જળાશયોમાં શિયાળાના સમયમાં વિદેશી પંખીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓ ગદગદિત બને છે. આ પંખીડાઓ પોરબંદર શહેરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય, છાંયાનું રણ, મોકર સાગર, કુછડીનું રણ, બરડા સાગર સહિ‌તના અલગ-અલગ 21 જેટલા ખારા અને મીઠા જળપ્લાવિત વિસ્તારોમાં વિહરતા નજરે પડે છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે લાખોની સંખ્યામાં પેલીકન, કોમન ક્રેઈન, ડેમોસાઈલ ક્રેઈન, સોવેલીયર, મલાર્ડ, વ્હાઈટ સ્ટોક તેમજ દુર્લભ ગણાતા માર્બલ ટીલ, બ્લેક સ્ટોક, બાર હેડેડ ગુશ સહિ‌તના પક્ષીઓ અરબી સમુદ્રના કિનારે વસેલા અને સુરખાબ નગર તરીકે વિશ્વ વિખ્યાત પોરબંદરના મહેમાન બન્યા છે.

સુભાષનગરની ખાડીમાં 10 હજાર જેટલા ફ્લેમિંગો તથા છાયાની ખાડીમાં પણ 10 હજાર ફ્લેમિંગોએ વસવાટ કર્યો છે. મોટા ભાગના જળ પલ્લવિત વિસ્તારોમાં આ વખતે કુંજની સંખ્યા ખુબ જ સારી જોવા મળે છે અને મોકરના રણ પ્રદેશમાં સાંજના સમયે 10 હજાર કરતા વધુ કુંજ પક્ષી જોવા મળે છે. માધવપુરથી મિયાણી સુધીના દરિયાકાઠાના વિસ્તારોમાં આ વખતે ખુબ મોટી સંખ્યામાં દરિયાઈ પક્ષીઓ જોવા મળે છે. આ સિવાય મેઢાંક્રિકમાં પાણી પુરતું હોવાથી અહી ડૂબકી બતકની સંખ્યા વધુ જોવા મળી રહી છે, તો પેલીકન પક્ષી સારી એવી માત્રામાં જોવા મળે છે.

તેમજ લાર્ક ચકલીઓ, સુગરી, કીંચ, અને વૈયા સહીતના પક્ષીઓ જોવા મળે છે ઉપરાંત રોઝી પેલીકન, લેઝર ફલેમિંગો, ગ્રેટર ફલેમીંગો, કરકરા, બ્રાઉન હેડેડ ગલ તથા બ્લેક હેડેડ ગલ, પિન ટેઇલ ડક, ગાર્ગીની ડક, બન્ટીંગ ડક વિવિધ પ્રકારની લાર્ક્સ, ડાર્ટર, શિકારી પક્ષીઓમાં પેરેગ્રાઇન ફાલ્કન, માર્સ હેરીયર, સ્પોટેડ ઇગલ, વેગ ટેઇલ્સ વગેરે પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.

યુરોપ ઉપરાંત અફઘાનિસ્તાન અને બલુચિસ્તાથી પણ પક્ષીઓ આવે છે
શિયાળાની ઋતુમાં યુરોપ ઉપરાંત અન્ય ઠંડા જળાશયોનું પાણી બરફમાં પરિવર્તિત થાય છે. ખાસ કરીને સાઇબીરીયા, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને રશીયા વગેરે દેશોમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે અને ત્યાંના જળ પ્લાવિત વિસ્તારોમાં બરફ જામી જાય છે જેથી આ તમામ દેશના પક્ષીઓ હજારો કિમીની ઉડાન ભરી દરિયાઇ માર્ગે પોરબંદરની સફરે આવી પહોંચે છે.

પોરબંદરને સુરખાબી નગરીની ઓળખ મળી
ફ્લેમિંગોને અહીનું વાતાવરણ ફાવી ગયું હોવાથી મોટી સંખ્યામાં આ પક્ષીનું અહીં આગમન થાય છે. જેથી પોરબંદર સુરખાબ નગર તરીકે પણ ઓળખાય છે. આ પક્ષી અહી મેટિંગ કરે છે અને નેસ્ટીગ કચ્છમાં કરે છે.

ખારા અને મીઠા પાણીમાં ખોરાક મળી છે
પોરબંદર આવતા વિદેશી પક્ષીઓમાં કુંજ પક્ષીને અહીંના ખેતરોમાં ઉગતી મગફળી ખોરાક માટે મળી રહે છે. તે ઉપરાંત અહીંના અનેક ખારા અને મીઠા તેમજ પ્રમાણમાં છીછરા તેવા જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓને નાની નાની જીવાત ખોરાક માટે મળી રહે છે.

દરિયાઇ પટ્ટી પર ફોરસ્ટની ટીમ પેટ્રોલીંગ કરી રહી છે
વિદેશી પક્ષીઓ પોરબંદરના મહેમાન બને તે બાબત પોરબંદર માટે ગૌરવવંતી છે પરંતુ અહીં કુંજ પક્ષીઓના શિકારના બનાવ દર વર્ષે બને છે. જેથી ચાલુ વર્ષે પક્ષીઓના શિકાર અટકાવવા જ્યાં સૌથી વધારે કુંજ પક્ષીઓનું મુકામ છે તે ગોસાબારા વેટલેન્ડ ખાતે વન વિભાગ દ્વારા ટેન્ટ મૂકી કાયમી થાણું શરુ કરાયું છે અને જીલ્લાની દરિયાઈ પટ્ટી પર ફોરેસ્ટની ટીમ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. - દિપકભાઇ પંડ્યા, નાયબ વન સંરક્ષક

અન્ય સમાચારો પણ છે...