પેકેજની માંગણી:દર ચોમાસે પૂરનો ભોગ બની રહેલા ખેડૂતો ઝંખી રહ્યા છે ઘેડ વિકાસ પેકેજ

માધવપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભૌગોલિક રચનાને લીધે ઘેડ પૂરનો ભોગ બને છે. - Divya Bhaskar
ભૌગોલિક રચનાને લીધે ઘેડ પૂરનો ભોગ બને છે.
  • કરડે કયાંક અને ચડે કયાંકની જેમ ઉપરવાસનું પાણી ઘેડમાં પૂર તાણી લાવે છે

પોરબંદર જીલ્લામાં આવેલા ઘેડ પંથકના ગામડાઓમાં દર ચોમાસે હાલ બેહાલ બને છે. ઘેડમાં વરસાદ વધુ હોય, ઓછો હોય કે માપસરનો હોય પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે દર ચોમાસે ઘેડમાં તારાજી સર્જાય છે અને આ વિસ્તારના ખેડૂતોની સ્થિતિન કફોળી બને છે. જેથી આ વિસ્તારના ખેડૂતો ઘેડ વિસ્તાર પેકેજની માંગણી કરી રહ્યા છે.

ઘેડ વિસ્તાર માટે પુર એ કઈ નવાઈની વાત નથી. દર ચોમાસે પૂરને લીધે ઘેડના ગામડાં સંપર્ક વિહોણા બને છે. લોકો અને માલઢોર પુરમાં દિવસો સુધી પુરાઈ ને રહે છે. પૂરના પાણી સમસ્ત ઘેડ વિસ્તારને બાનમાં જકડી લે છે જેને લીધે ખૂબ ત્રાસદાયક પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આવી પરિસ્થિતમાં નવાઇની વાત તો એ છે કે ઘેડ વિસ્તારના ગામડાઓ આ વિસ્તારમાં પડેલા વરસાદને લીધે પૂરનો ભોગ નો જવલ્લેજ બને છે પરંતુ મોટાભાગે કરડે કયાંક અને ચડે કયાંકની જેમ ઉપરવાસમાં પડેલા વરસાદનું પૂર દર ચોમાસે ઘેડ પંથકને ઘમરોળી નાખે છે. જેને લીધે આ વિસ્તારમાં રહેતા લોકો પૂરનો ભોગ તો બને જ છે આ વિસ્તારના ખેડૂતોના ખેતરો પણ ધોવાઇ જતા પાયમાલ બને છે.

જેથી આ વિસ્તારના ખેડૂતો સરકાર મદદ કરે તેવી લાગણી સાથે ખાસ ઘેડ વિકાસ પેકેજની માંગણી કરી રહ્યા છે પરંતુ આ પેકેજની કોઇ જ પ્રકારની માંગણી સરકાર દ્વારા સંતોષવામાં આવી નથી જેને લીધે દર ચોમાસાની માફક આ ચોમાસે પણ આ ખેડૂતોની સ્થિતિ પાયમાલીના કગારે આવી ગઇ છે. પૂરને લીધે ઘાસચાળો ધોવાઇ જાય છે જેને લીધે ખેડૂતોના ગાય, બળદ જેવા માલઢોરની સ્થિતિ કફોળી બને છે. લોકના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીનો નાશ થઇ જાય છે. દર ચોમાસે પૂરને લીધે અનેક લોકોના જીવ જાય છે. પૂરને લીધે આ વિસ્તારના ખેડૂતો દર વર્ષે એક જ પાક માંડમાંડ મેળવી શકે છે. ઘેડ વિસ્તાર સંપર્ક વિહોણો બની જતા અનેક બિમાર લોકો પૂરના સમયે મોતને ભેટે છે.

ઘેડ વિકાસ પેકેજમાં માંગવામાં આવેલી મદદ

  • પૂરનો ભોગ બનતા આ વિસ્તારના ખેડૂતોને સ્પેશ્યલ પેકેજ તરીકે જમીન ધોવાણ સહાય, બિયારણ સહાય અને કૃષિ વિકાસ સહાય મળવી જોઇએ.
  • દર ચોમાસે પૂર વખતે ઢોર માટે મફત ઘાસચારાની સગવડ આપવી જોઇએ અને તેના માટે અનામત ઘાસચારો આપવો જોઇએ તેમજ જરૂરીયાત વખતે ઘાસ ચારો તુરંત સપ્લાય થાય તેવું આયોજન થવું જોઇએ.
  • આ વિસ્તારમાં પૂરનો ભોગ બનતા લોકોને તુરંત કેશડોલ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
  • પૂરનો ભોગ બનતા દરેક ગામડામાં લાઇફ જેકેટની વ્યવસ્થા કરવી જોઇએ તેમજ આ વિસ્તારના લોકોને પૂરથી કેમ બચવું તે માટે પ્રશિક્ષિત કરવા જોઇએ.
  • આ વિસ્તારના ખેડૂતોની દયનીય સ્થિતિને ધ્યાને રાખી બેરોજગારોને બેરોજગારી ભથ્થું મળવું જોઇએ તેમજ સ્વરોજગાર ઉભો થાય તે માટે આઇ.ટી.આઇ. સહીતની સવલતો મળવી જોઇએ.
  • પૂર વખતે બિમારોને હોસ્પિટલે પહોંચાડવા લાઇફ બોટ, સરકારી ગાયનેક જેવી સગવડ મળવી જોઇએ.

ભૌગોલિક રચનાને લીધે ઘેડ પૂરનો ભોગ બને છે
પોરબંદર જીલ્લાના પોરબંદર તાલુકા અને કુતિયાણા તાલુકામાં આવેલો ઘેડ વિસ્તાર રકાબી જેવી ભૂપૃષ્ઠ સ્થિતિ ધરાવે છે જેને લીધે દર ચોમાસે વરસાદનું પાણી અને ઉપરવાસમાંથી છોડવામાં આવતું પાણી ચોતરફથી ઘેડમાં એકઠું થાય છે. જેને લીધે સદીઓથી અહીં આ પરિસ્થિતનું નિર્માણ થાય છે. પરંતુ હવે આજના સમયમાં આધુનિક ટેકનોલોજી અને એન્જીનીયરીંગ ટેકનોલોજીની મદદથી સરકાર ઇચ્છે તો આ પરિસ્થિતિને બદલી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...