અંધારપટ્ટ:ફ્લાય ઓવર બ્રિજ પરની લાઈટો તો નખાઈ પણ અજવાળા કોણ પાથરશે?

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજબીલ પાલિકા ભરશે કે નેશનલ હાઇવે ઓથોરિટી એ મુદ્દે વચલો રસ્તો કાઢવા માંગ

પોરબંદરના બાયપાસ પર કરોડો રૂપિયાના ખર્ચે નરશન ટેકરીથી રોકડીયા હનુમાન સુધીનો ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજનું નિર્માણ થયાના 5 વર્ષ થયા છતાં બ્રિજ પર લાઈટો મુકવામાં આવી ન હતી. વારંવાર રજૂઆતો થતા રૂ. 1.66 કરોડના ખર્ચે કેન્દ્રની ગ્રાન્ટ માંથી 117 લાઈટો મુકવામાં આવી છે. અને ખાતમુહૂર્ત વખતે સાંસદે જાહેર કર્યું હતું કે આ લાઈટોનું વીજ બિલ પાલિકા ભરશે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લાઈટો મુકવાનું કામ પૂર્ણ કરી જનરેટરની મદદથી ટ્રાયલબેજ પર લાઈટો ઝળહળતી કરી હતી. પરંતુ લાઈટોનું વિજબીલ કોણ ભરશે તે મુદ્દે કોકડું ગૂંચવાયું છે.

આ ઓવર બ્રિજ પરની મુકેલ 117 લાઈટોનું વિજબીલ પાલિકા ભરશે કે નેશનલ હાઇવે ઓથોરિટી તે મુદ્દા વચ્ચે હજુપણ બ્રિજ પરની લાઈટો બંધ છે અને અંધારપટ્ટ છવાઈ જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. શહેરની શોભા સમાન બ્રિજ પર હાલ પણ અંધારપટ્ટ છવાયેલો છે ત્યારે એકજ સતાપક્ષ હોવા છતાં વિજબીલ મુદ્દે ખો આપવામાં આવી રહી છે પરંતુ બ્રિજ પર લાઈટો ઝળહળતી કરવા તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે.

વિજબીલ પાલિકા ભરશે તેવું જાહેરમાં કહેનાર સતાધીશો હાલ ચૂપ છે ત્યારે આ નિવેડો વહેલી તકે લાવવો જરૂરી બન્યો છે અને વચલો માર્ગ કાઢી ફ્લાય ઓવર બ્રિજ પર લાઈટોને ચાલુ કરી બ્રિજ ઝળહળતો કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર રસિકભાઈ પઢીયારે માંગ કરી છે.

117 લાઈટો ધૂળ ખાઈ છે
રસિકભાઈએ જણાવ્યું હતું કે રૂ. 1. 66 કરોડના ખર્ચે બ્રિજ પર 117 લાઈટો મુકવામાં આવી છે પરંતુ આ લાઈટોનું વિજબીલ કોણ ભરશે તે બાબતે ઉકેલ લાવવામાં ન આવતા આ 117 લાઈટો ધૂળ ખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...