ભાસ્કર ઈમ્પેક્ટ:પોરબંદર ખાતેનાં છાયા રણ વિસ્તારમાં પેશકદમી દૂર થશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરખાબી નગરીમાં સુરખાબના રહેઠાણ સમા છાયા રણ વિસ્તારમાં પેશકદમી થઈ છે અને 2018માં સીટીસર્વે દ્વારા 86જેટલા આસામીઓને નોટીશ ફટકારી હતી પરંતુ કાર્યવાહી ન થતા દબાણો ઘટવાને બદલે વધ્યા અંગે એક અહેવાલ પોરબંદર ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.

સુરખાબી નગરીમાં સુરખાબના રહેઠાણ સમા વિસ્તાર માના એક એવા છાંયાના રણમાં કતારબંધ પેશકદમી થયેલ છે. છેલ્લા 10 વર્ષમાં અનેક લોકોએ અહીં ગેરકાયદેસર દબાણો કરી મિલ્કતો ઉભી કરી દીધી છે અને કોમર્શિયલ રીતે પણ તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. વર્ષ 2018ના મે મહિનામાં દબાણ અંગે 86 જેટલા આસામીઓને નોટીસ પાઠવવામાં આવી હતી.

ત્યારબાદ કેસ પણ ચાલ્યો હતો. જેમાં કેટલાક લોકોએ આધાર પુરાવા રજુ કરતા તેવી મિલ્કતો નિયમીત કરી દેવામાં આવી હતી, પરંતુ મોટા ભાગની મિલ્કતો દબાણમાં ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવી છે. એટલે સીટી સર્વેના અધિકારીઓ દ્વારા આવી પેશકદમી થયેલી જમીનોને સરકાર જાહેર કરી દેવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી છાંયાના રણ નામના આ વિસ્તારમાં પેશકદમી જોવા મળી રહી છે તે અંગેનો અહેવાલ પોરબંદર દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

આથી જિલ્લા કલેકટર અશોક શર્માએ તાકીદે સિટી સર્વે વિભાગને તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓને સ્થળ પર પણ મોકલ્યા છે. નોટીશ બાદ શા માટે કાર્યવાહી ન કરી તેની સ્પષ્ટતા પણ માંગી છે. આગામી સમયમાં છાયા રણ વિસ્તારમાં થયેલ પેશકદમી દૂર કરવામાં આવશે તેવુ પણ જિલ્લા કલેકટર શર્માએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...