હવામાન:પોરબંદરમાં આગોતરા ચોમાસું વાવેતરના શ્રીગણેશ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ ખેતરમાં ઓરવણું કરી દસ દિવસથી વાવેતરનો શુભારંભ કર્યો : 4000 હેક્ટરમાં મોટા ભાગે મગફળીનું વાવેતર થયું

પોરબંદર પંથકમાં ખેડૂતોએ આગોતરા ચોમાસુ વાવેતરના શ્રીગણેશ કરી દીધા છે. ઉનાળુ મગ, ચોરી, અડદ સહિતનો પાક લીધા બાદ પંથકના ખેડૂતોએ ખેતરમાં ઓરવણુ કરી છેલ્લા દસ દિવસથી વાવેતરનો શુભારંભ કરી દીધો છે. પોરબંદર જીલ્લામાં ગત વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ પડયો હતો અને ઉપરવાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડયો હોવાથી ઉપરવાસનું વરસાદી પાણી પોરબંદર પંથકમાં આવ્યું હતું. પોરબંદર જીલ્લાના નાના મોટા જળાશયો, તળાવો અને ડેમો વરસાદી પાણીથી છલોછલ ભરાયા હતા.

ચોમાસામાં પડેલ વરસાદી પાણીનો તળાવ, ડેમોમાં સંગ્રહ થયો છે. સંગ્રહ થયેલ પાણી શિયાળુ અને ઉનાળુ પાક માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યું હતું. તળાવ, ડેમોમાં પાણીનો સંગ્રહ થતા ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ઉનાળુ પાક ઉત્પાદન મેળવ્યું છે અને પાણીના તળ ઊંચા હોવાથી ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાક ઉત્પાદન માટે સિંચાઈનું પાણી મળી રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ ચોરી, તલ, અડદ, મગ સહિતના ઉનાળુ પાકનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન મેળવ્યું છે અને ઉનાળુ પાક મેળવ્યા બાદ છેલ્લા દસ દિવસથી ખેડૂતોએ ખેતરમાં ઓરવણું કરી ચોમાસુ પાકનું આગોતરું વાવેતર શરૂ કરી દીધુ છે.

મોટાભાગે પંથકના ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરું વાવેતર શરૂ કર્યું છે. જીલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં 400 હેકટર જમીનમાં આગોતરું વાવેતર થયું હોવાનું ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જળાશયોમાં પાણી હોવાથી વાવ-કૂવાના પાણીના તળ ડૂક્યા નથી
પોરબંદર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં તળાવો અને ડેમોમાં ચોમાસુ પાણીનો સંગ્રહ હજુ પણ છે, તળાવો અને ડેમોની આસપાસના વિસ્તારોમાં આવેલ વાવ કૂવામાં પાણીના તળ ઊંચા છે. જેથી ખેડૂતોને ખેતરના ઓરવણા માટે જરૂરિયાત મુજબ પાણી મળી રહે છે. અને પાણીની વ્યવસ્થા હોવાથી ખેડૂતોએ ખેતરનું ઓરવણુ કરી આગોતરું વાવેતર કર્યું છે.

સારા ઉત્પાદનની ખેડૂતોમાં આશા
પોરબંદર જિલ્લાના ખેડૂતોએ સિંચાઈના પાણીની સારી એવી વ્યવસ્થા હોવાથી પોતાના ખેતરનું ઓરવણુ કરી મગફળીના પાકનું આગોતરુ વાવેતર કર્યું છે. ઉનાળુ પાક લીધા બાદ આગોતરું વાવેતર કર્યું છે, ત્યારે તેઓએ ચોમાસુ દરમિયાન પાકને માફક વરસાદ રહેશે, તો સારું એવું પાક ઉત્પાદન થશે તેવી આશા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...