સર્વે:વર્ષ દરમ્યાન 3529 પાણીના સેમ્પલ ટેસ્ટ કરાયા, 260 સેમ્પલ અનફિટ

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષ દરમ્યાન 3529 પાણીના સેમ્પલ ટેસ્ટ કરાયા - Divya Bhaskar
પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષ દરમ્યાન 3529 પાણીના સેમ્પલ ટેસ્ટ કરાયા
  • તળ ઊંડા હોવાના કારણે મોટાભાગના સેમ્પલમાં ટીડીએસ અને નાઇટ્રેટનું પ્રમાણ વધુ
  • પાણી પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે જુદા- જુદા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા
  • પ્રયોગશાળામાં પાણીમાં કેમિકલ અને બેક્ટેરિયલ તપાસણી થઈ
  • પોરબંદર જિલ્લા અને તાલુકામાં ગામના કુવા, હેન્ડપમ્પ, પાણીના ટાંકા, બોર, સંપ, તળાવ, નદી સહિતના સ્થળોએથી પાણીના સેમ્પલ લેવાયા બાદ ચેક થયા

પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષ દરમ્યાન 3529 પાણીના સેમ્પલ ટેસ્ટ કરાયા છે જેમાંથી 260 સેમ્પલ અનફિટ થયા છે. તડ ઊંડા હોવાના કારણે મોટાભાગના સેમ્પલમાં ટીડીએસ અને નાઇટ્રેડનું પ્રમાણ વધુ જોવા મળે છે.

પોરબંદરના પાણી પુરવઠા બોર્ડ દ્વારા સમયાંતરે જિલ્લા અને તાલુકામાં ગામના કુવા, હેન્ડપમ્પ, પાણીના ટાંકા, બોર, સંપ, તળાવ, નદી સહિતના સ્થળોએથી પાણીના સેમ્પલ લેવામા આવે છે અને આ સેમ્પલને પાણી પુરવઠા બોર્ડની કચેરી ખાતે આવેલી લેબ ખાતે ટેસ્ટ કરવામાં આવે છે. પાણીના સેમ્પલમા 2 પ્રકારના ટેસ્ટ લેબ ખાતે કરવામાં આવે છે જેમાં પાણીમાં કેમિકલ અને બેક્ટેરિયલની તપાસણી થાય છે.

પોરબંદરમાં દરિયાઇ વિસ્તાર નજીક પાણીમાં ટીડીએસ એટલેકે ક્ષારનું પ્રમાણ વધુ રહે છે. તેમજ તડ ઊંડા હોવાને કારણે પાણીમાં નાઇટ્રેડનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. વર્ષ દરમ્યાન પાણી પુરવઠા બોર્ડ દ્વારા જિલ્લા માંથી કુલ 3529 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને લેબ ટેસ્ટ કરતા 260 સેમ્પલ અનફિટ થયા હતા.

કેમિકલ અને બેક્ટેરિયલ ટેસ્ટ કેટલા થયા?
વર્ષ દરમ્યાન પાણી સેમ્પલના 1087 કેમિકલ ટેસ્ટ થયા હતા આ સેમ્પલ માંથી 202 સેમ્પલ અનફિટ થયા હતા. વધુ પડતું કુવા અને બોરનું પાણી અનફિટ હતું. ગ્રાઉન્ડ વોટરમાં કેમિકલનું પ્રમાણ વધુ હતું. જ્યારે બેક્ટેરિયલ 2442 સેમ્પલ ટેસ્ટ કરતા 58 સેમ્પલ અનફિટ હતા. ખુલ્લા પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ રહે છે.

અનફિટ પાણી પીવાથી ક્યાં પ્રકારના રોગ થાય?
જો પીવાના પાણીના સેમ્પલ ટેસ્ટમાં અનફિટ આવે અને આ અનફિટ પાણી પીવામાં આવે તો પાચનતંત્રના રોગ થાય, ક્ષાર વાળું પાણી પીવાથી પથરી થાય. નાઇટ્રેટના કારણે બાળકોમાં બ્લુબેરી નામનો રોગ થાય. ફ્લોરાઈડનું પ્રમાણ વધારે હોય તો ફ્લોરોસીસ નામનો રોગ થાય જેમાં દાંત પડી જાય, સાંધા જકડાઈ જાય. પાણીમાં બેક્ટેરિયા આવે તો ઝાડા ઉલટી થાય અને શરીરમાં ખંજવાળ આવે.

અનફિટ પાણીના સેમ્પલ આવે તો કઈ પ્રકારની કામગીરી?
પાણીને સ્ટોર કરીને ક્લોરીનેશન કરવામાં આવે છે. લિકવિડ બ્લીચિંગ પાવડરથી ક્લોરીનેશન કરવામાં આવે છે. ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ ક્લોરીનેશન કરવામાં આવે છે. અનફિટ સેમ્પલ થાય તો ચોમાસા પૂર્વે અને પછી સર્વે કરવામાં આવે છે. સબ ડિવિઝનને જાણ કરવામાં આવે છે અને આ પાણી પીવાલાયક નથી તેવું જણાવી પાણી પુરવઠા યોજનાના પાણીનો ઉપીયોગ કરવા સૂચન કરવામાં આવે છે. - વી.પી. ચૌહાણ, કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા બોર્ડ

પાણી પીવાલાયક અંગેના ટેસ્ટમાં 3 દિવસનો સમય લાગે
પાણીનું સેમ્પલ લેબમાં આવ્યા બાદ 24 કલાકમાં તેનો કેમિકલ ટેસ્ટ કરવામાં આવે છે અને બેક્ટેરિયા લોજીકલ ટેસ્ટ કરતા 48 કલાક થાય છે. આમ પાણી પીવા લાયક છેકે નહિ તે ટેસ્ટ કરતા 48 કલાક થાય છે. - આકાશ જુંગી, કેમિસ્ટ, જિલ્લા પ્રયોગશાળા, પોરબંદર

​​​​​​​શું ધ્યાન રાખવું?
ડંકી અને કુવા પાસે ગંદકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. બોર પાસે ખુલ્લી ગટર કે સેફટી ટેન્ક હોય તો લાંબા ગાળે પાણીમાં ભળી જવાથી પાણીમાં દુર્ગંધ આવે. દુર્ગંધ યુક્ત પાણી પીવું જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...