પાકને નુકસાન:પોરબંદરમાં કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રો પાયમાલ થયા

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલીક સર્વે કરી નુકસાનીનું વળતર આપવા રજૂઆત કરવામાં આવી

પોરબંદર જિલ્લામાં અચાનક ખાબકેલ વરસાદના કારણે ધરતીપુત્રો પાયમાલ થયા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે, ત્યારે રાજ્ય સરકાર માત્ર વાતોના વડા કરવાને બદલે નુકસાનીનો તાત્કાલીક સર્વે કરી નક્કર કામગીરી કરે તેવી કોંગ્રેસે રજૂઆત કરી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવ મોઢવાડિયાએ કૃષિ મંત્રીને રજૂઆત કરી એવું જણાવ્યું છે કે શુક્રવારે સવારે કડકડતી ઠંડીની સાથે પોરબંદર જિલ્લામા અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લાના ઘેડ અને બરડા પંથકના ખેડૂતોના કરોડો રૂપિયાના પાકને નુકસાન પહોંચ્યું છે.

ચણા, ધાણા, જીરું સહિતના પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું છે પરંતુ માવઠુ થતા આ પાક નિષ્ફળ ગયો છે. અને ધાણા તથા જીરુંના પાકમાં રોગચાળો ફેલાયો છે, ત્યારે અચાનક વધુ વરસાદ વરસવાના કારણે આ ભાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. રામદેવ મોઢવાડિયાએ વધુમાં એવું પણ કહ્યું હતું કે સરકારે માત્ર વાતોના વડા કરીને હૈયાધારણા આપવાને બદલે નક્કર કામગીરી હાથ ધરવી જોઈએ અને તાત્કાલિક સર્વેની કામગીરી કરવી જોઈએ.

ખેડૂતોને થયેલ નુકશાની અંગે સર્વે હાથ ધર્યા બાદ વળતર ચુકવવાની કાર્યવાહી કરવી જોઈએ. ખેડૂતોના અમુક પાક તૈયાર થઈ ગયા હોય, તેના પર વરસાદ વરસતા આ પાકનો સફાયો થયો છે. જિલ્લાના અનેક ખેડૂતોએ વ્યાજે નાણાં લય પાકનું વાવેતર કર્યું હોય, મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક દવા છાંટી મહામહેનતે પાક તૈયાર કર્યો હતો. ત્યારે જ વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. જેથી તાત્કાલિક ધોરણે સરકારે સરવે કરી વળતર ચૂકવવાની વ્યવસ્થા હાથ ધરવી જોઈએ તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...