પોરબંદરમાં શ્વાનનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા 1 વર્ષમાં 3700થી વધુ લોકો શ્વાનના બચકાનો ભોગ બન્યા છે. મહત્વની વાત એ છેકે, દાયકાથી શ્વાનના ખાસિકરણ અંગે પાલિકા દ્વારા કોઈ કામગીરી થઈ નથી. જેથી શ્વાનની વસ્તી વધી રહી છે અને વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે.
પોરબંદર જિલ્લામાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. પોરબંદર શહેરમાં શ્વાને અનેક લોકોને બચકા ભર્યા છે. નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધીના લોકો શ્વાનના બચકાનો ભોગ બન્યા છે. શહેરના દરેક વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના ડોગ બાઈટના આંકડા પર નજર કરીએ તો સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. વિપુલ મોઢાના જણાવ્યા મુજબ 2020મા 3434 લોકોને શ્વાન કરડયાનું નોંધાયું હતું. જેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યારે 2021મા શ્વાન કરડવાના બનાવમાં વધારો થયો છે.
2021મા 3792 લોકોને શ્વાને બચકા ભરતા આ લોકો સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હતા. શહેરમાં શ્વાનનો આતંક વધ્યો છે. કેટલાક વિસ્તારોમાં શ્વાન કરડવાની બીકે બાળકો અને વૃદ્ધો ઘરની બહાર નીકળતા ડરે છે અને મહેમાનો આવતા પણ વિચાર કરે છે ત્યારે શ્વાન પકડવામાં પણ પાલિકા તંત્રની ઉદાસીનતા સામે આવી છે. આટલું જ નહીં પણ આશ્ચર્યની વાત એ છે કે શ્વાનના ખાસિકરણ માટે પણ દાયકાથી પાલિકા દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેથી શ્વાનની સંખ્યા વધી રહી છે. જેથી શ્વાનનું ખાસિકરણ માટેનું આયોજન થવું જરૂરી બન્યું છે.
કયા વિસ્તારમાં શ્વાનનો ત્રાસ?
ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે દરરોજ અનેક લોકો ડોગ બાઈટ ની સારવાર લેવા આવે છે જેમાં ખારવાવાડ, મેમણવાડ, શીતલાચોક, કડીયાપ્લોટ, ઝુંડાળા, ખાપટ, છાયા, પેરેડાઈઝ, રાજીવનગર સહિતના તમામ વિસ્તારો માંથી ડોગ બાઈટ થયાના બનાવ નોંધાયેલ છે. ઉલ્લેખનીય છેકે, શાળાએ જતા બાળકો, ગલી માંથી પસાર થતા વાહન ચાલકો અને મહેમાન બનીને સંબંધી ને ત્યાં જતા લોકો શ્વાન બચકાનો ભોગ બન્યા છે.
શ્વાનની સંખ્યા કેટલી?
પશુપાલન વિભાગ દ્વારા 2019માં કરાયેલ ગણતરી મુજબ જીલ્લા માં શ્વાનની કુલ સંખ્યા 4168 છે જેમાં 2500 થી વધુ શ્વાન માત્ર પોરબંદર માં જ છે. આ આંકડો 2019નો છે. શ્વાનની ખાસિકરણ કામગીરી ન થતા આ આંકડો વધી રહ્યો છે.
શું કહે છે ચીફ ઓફિસર ?
અધિકારીને પૂછતાં છેલ્લા 10 વર્ષથી શ્વાનોના ખાસિકરણ અંગે કોઈ કામગીરી થઈ નથી. શ્વાનના ખાસિકરણ માટે આગામી સમયમાં પશુ ચિકિત્સકની મદદ લઇ તેઓને સાથે રાખી પાલિકા ટીમ દ્વારા શ્વાનોના ખાસિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. > મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.