ઉગ્ર માગ:પશુ નિયંત્રણનો કાયદો મોકૂફ નહીં રદ કરો: માલધારી સમાજ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુ રાખવા માટે વૈકલ્પિક જગ્યા ફાળવો તેવી પણ માંગ કરી કલેકટર કચેરી બહાર ધરણા યોજાયા

રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા પશુ રાખવા માટે લાયસન્સ સહિતનો પશુ નિયંત્રણ કાયદાનો માલધારી સમાજે વિરોધ કરી જિલ્લા કલેકટર કચેરી બહાર ધરણા યોજી આ કાયદો રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ હેઠળ પોરબંદર જિલ્લાના માલધારી સમાજના લોકો દ્વારા જિલ્લા કલેકટર કચેરી બહાર સવારે 11 થી 4 પ્રતીક ધરણા કાર્યક્રમ યોજાયો હતો. માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતુંકે, ગત તા. 31/3/22ના રોજ વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામા આવ્યુ છે.

સામાજીક સમરસતા માટે પશુપાલક મહત્વની ભાગ ભજવી રહયો છે. કોરોનાના કપરાકાળ દરમિયાન અતિ મહત્વની પ્રાથમિક જરુરિયાત એવા દૂધ પૂરું પાડવા માટે પોતાની જાતની પરવા કર્યા વગર ભાવ વધારો કર્યા વગર રાતદિન એક કરીને સમાજને દૂધ પહોંચાડયું છે. ગુજરાતે શ્વેત ક્રાંતિમાં જે કાંઈ હરણફાળ ભરી રહ્યું છે તેનો પાયાનો પથ્થરઆ પશુપાલક અને માલધારી સમાજ જ છે. વિધાનસભા માં સરકાર દ્વારા પશુ-માલધારી વિરોધી જે બિલ પસાર થયેલ છે તે તાત્કાલીક પરત ખેંચવું જોઈએ.

રાજ્યની દરેક કોર્પોરેશન દ્વારા પકડાયેલ ઢોરોને મુકત કરવા ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો, રાજ્ય માં આવા પકડાયેલ પશુઓને છોડાવવા માટે 90-અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવી, જે શહેરમાં દબાણ થયેલ ગૌચરો કોર્ટના હુકમ મુજબ ખાલી કરાવી તેમાં આવી વસાહતો બનાવી માલધારી શહેર બહાર વસવાટ કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ તૈયાર કરાવવી જોઈએ અને પશુ નિયંત્રણ કાયદો પસાર કર્યો છે તેને મોકૂફ નહિ પરંતુ રદ કરવામાં આવે તે સહિતની ઉગ્ર માંગ કરી છે.

વિધાન સભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે - માલધારી આગેવાનો
પશુપાલક વિરોધી કાયદો લાવી પશુપાલકોને પરેશાન કરવાની આ નીતિને સહન કરવાના નથી. આ કાયદા નો વિરોધ દર્શાવવા અમે આજ દરેક જીલ્લામા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જો આગામી દિવસોમાં માલધારી સમાજને આ બિલ અથવા કોઈપણ કાયદા દ્વારા પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલી કે અગવડતાઓ ઉભી થશે તો તેનું સરકારે પણ કદાચ આગામી વિધાનસભા ચુંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે. આથી બિલ પરત ખેંચવા માંગ કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું.

પશુ નિભાવ માટે મંડળીની જમીન ફાળવવામાં આવતી હતી
માલધારી સમાજના આગેવાને જણાવ્યું હતું કે, અગાવ જમીન વિહોણા માલધારીઓ પશુપાલન કરતા હોય તેને પશુ નિભાવ માટે મંડળીની જમીન ફાળવવામાં આવતી હતી. આવી જમીનો ફાળવવામાં આવે તેવી પણ માંગ કરી છે.

જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિના નેજા હેઠળ પોરબંદર જિલ્લાના માલધારી સમાજના આગેવાનોએ ધરણા કર્યા બાદ બપોરે કલેકટરને આવેદન પાઠવી, પશુ નિયંત્રણ કાયદો રદ કરવા ઉગ્ર માંગ કરી છે.

પશુ લાયસન્સ સહિતની પ્રક્રિયા મુશ્કેલી સર્જશે
માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગાયને માતા માનવામાં આવે છે. ગાય માટે લાયસન્સ લેવાની જરૂર ન હોય, જે પશુઓ રાખે તેને રજિસ્ટ્રેશન, ટેગ, લાયસન્સ, પશુ વેચે તો પણ પ્રોસેસ કરવાનો કાયદો આવે તો આ ઝંઝટમાંથી પસાર થવું મુશ્કેલ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...