વ્યવસ્થા:તહેવાર નિમિતે કુપન ધારકોને અનાજનું વિતરણ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચણાનો ઉમેરો કર્યો પરંતુ ચણાનો જથ્થો ન આવતા ગ્રાહકોને ધક્કા, ચણાના કિલોના રૂ. 30 લેખે વિતરણ કરવાની જાહેરાત કરાઈ હતી

તહેવાર નિમિતે સસ્તા અનાજની દુકાન ખાતે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ માસે ચણાનો ઉમેરો કર્યો પરંતુ ચણાનો જથ્થો ન આવતા ગ્રાહકોને અન્ય રાશન મળી રહ્યું છે પરંતુ ચણા ન આવતા ગ્રાહકો ધક્કા ખાઈ રહ્યા છે. તહેવાર દરમ્યાન લાભાર્થીઓને સસ્તા અનાજની દુકાનેથી રાશન મળી રહે તે માટે સરકારે તા. 15/10થી વિતરણ વ્યવસ્થા કરવા જાહેરાત કરી હતી.

જેમાં આ વખતે ચણા ઉમેરવામાં આવ્યા હતા અને રૂ. 30ના કિલોના ભાવે ચણા આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ચણાની જાહેરાત થવા છતાં ચણા નો જથ્થો ફાળવાયો ન હોવાથી ગ્રાહકોને અન્ય રાશન જેવીકે, ઘઉં, ચોખા, સીંગતેલ, ખાંડ, તુવેરદાળ સહિતની ચીજો મળી રહી છે પરંતુ ચણા મળ્યા ન હતા જેથી લાભાર્થીઓ ચણા માટે સસ્તા અનાજની દુકાને ધક્કા ખાઈ રહ્યા છે.

જિલ્લામાં કેટલી દુકાન અને કેટલા ગ્રાહકો?
પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજની કુલ 162 દુકાનો આવેલ છે અને 80 હજાર જેટલા NFSA કાર્ડ ધારકો છે. આ તહેવાર દરમ્યાન આ 80 હજાર કાર્ડ ધારકોને ચણા સહિતનું રાશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

બજારમાં ચણાનો ભાવ ?
હાલ બજારમાં 1 કિલોના ચણાનો ભાવ રૂ. 80 થી રૂ.90 ના ભાવે વેચાઇ છે. સરકાર દ્વારા રૂ. 30 ના કિલો ચણા આપવામાં આવશે તેવી જાહેરાત થઈ છે. જેથી લાભાર્થીઓ જથ્થો આવે તેની રાહ જોઈ રહ્યા છે.

ચણાનો જથ્થો આવશે ત્યારે વિતરણ કરાશે
આ તહેવાર નિમિતે સરકારે રાશન આપવાની જાહેરાત તા. 15થી શરુ કરવા જણાવ્યું હતું. અન્ય રાશનનો જથ્થો ફાળવ્યો છે અને અન્ય રાશન ગ્રાહકોને આપવામાં આવી રહ્યું છે. ચણાનો જથ્થો હજુસુધી આવેલ નથી. ઉપરથી જથ્થો આવશે ત્યારે ગ્રાહકોને વિતરણ કરી દેવામાં આવશે. - રાજેશ લક્ષ્મીદાસ ઠકરાર, સસ્તા અનાજ એસો. પ્રમુખ, પોરબંદર

શું કહે છે પુરવઠા અધિકારી?
આ માસમાં ચણા એડ કર્યા છે. જેથી દુકાન ધારકો પાસે અગાઉનો જથ્થો ન હોય, ગાંધીનગરથી જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. ચેનલ મુજબ જથ્થો પહોંચશે. રાજ્યમાં બશે આવી સ્થિતિ છે. રાજ્યમાં ચણાનો જથ્થો પહોચાડવામાં આવી રહ્યો છે. પોરબંદર ખાતે ચણાનો જથ્થો પહોંચી જશે. તહેવાર પૂર્વે જ ફાળવણી થશે તેવી શક્યતા છે. જથ્થો આવશે એટલે લાભાર્થીને ચણા વિતરણ કરવામાં આવશે. - હિરલ દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...