ઉત્સાહ:પોરબંદર જિલ્લામાં 20 મહિના બાદ ધોરણ 1 થી 5નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ

પોરબંદર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓના વર્ગો જીવંત થયા, પ્રથમ દિવસે 30 ટકા છાત્રો હાજર રહ્યા, શિક્ષકો અને છાત્રોમાં ઉત્સાહ

પોરબંદર જિલ્લામાં 20 માસ બાદ ધો. 1 થી 5 નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે. લાંબા સમય બાદ શાળાઓના વર્ગો જીવંત થયા છે. પ્રથમ દિવસે 30 ટકા છાત્રો હાજર રહયા હતા. શિક્ષકો અને છાત્રોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. પોરબંદર જિલ્લામાં કોરોનાને પગલે સાવચેતીમાં ભાગરૂપે ધોરણ 1 થી 5 ની શાળાઓ બંધ હતી. કોરોના સંક્રમણ ઓછું થતા રાજ્ય સરકારે અન્ય ધોરણોની શાળાઓ શરૂ કરવાની છૂટ આપી હતી. હાલ કોરોના સંક્રમણ ઓછું થયું છે ત્યારે સરકારે તા. 22 નવેમ્બરના રોજ ધોરણ 1 થી 5 ની શાળા શરૂ કરવા નિર્ણય લીધો હતો.

પોરબંદર જિલ્લામાં પ્રથમ દિવસે જ બાળકો, શાળાના શિક્ષકો અને સ્ટાફમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધો. 1 થી 5 ના છાત્રોના વાલીઓ પ્રત્યક્ષ શિક્ષણ માટે સંમતિ આપી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં સરકારી શાળાઓ ખાતે બાળકોના કિલ્લોલ વચ્ચે 20 માસ બાદ વર્ગો જીવંત થયા છે. બાળકોએ પ્રથમ દિવસે પ્રત્યક્ષ શિક્ષણ મેળવી હળવાશનો અનુભવ કર્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ 50 ટકા છાત્રો બોલાવવાના થતા હતા ત્યારે પ્રથમ દિવસે બાળકો વાલીઓના સંમતિ પત્ર સાથે હાજર રહ્યા હતા. એક વર્ગમાં મર્યાદિત સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. પ્રથમ દિવસ હોવાથી 30 ટકા છાત્રોએ હાજરી આપી હતી.

કેટલીક ખાનગી શાળાઓ ન ખુલી
પોરબંદર જિલ્લામાં 22 નવેમ્બરથી ધો. 1 થી 5 ની શાળા શરૂ કરવા નિર્ણય લેવાયો છે ત્યારે કેટલીક ખાનગી શાળાઓમાં કોવિડ સરકારી ગાઈડલાઈન અંગેની વ્યવસ્થા કરવા માટે સમય જોઈતો હોય જેથી શહેરની કેટલીક ખાનગી શાળાઓ શરૂ કરવામાં આવી ન હતી.

જિલ્લામાં ધો. 1થી 5 ની કેટલી શાળા?
પોરબંદર જિલ્લામાં ધોરણ 1 થી 5 ની 311 સરકારી શાળા આવેલી છે જ્યારે 117 ખાનગી શાળા આવેલી છે. ધોરણ 1 થી 5 ના સરકારી શાળામાં કુલ 26060 છાત્રો નોંધાયેલ છે જ્યારે ખાનગી શાળાઓમાં ધો. 1 થી 5ના અંદાજે 10 હજાર છાત્રો નોંધાયેલ છે.

ગાઈડલાઈનના પાલન સાથે છાત્રોનો પ્રવેશ
ધો. 1 થી 5 ની શાળાઓ શરૂ થતા સરકારી શાળાઓ ખાતે આવેલ બાળકો માટે માસ્કની સુવિધા તેમજ સેનિટાઈઝર વડે હાથ સ્વરછ કરાવી, થર્મલ ગન વડે છાત્રોને ચેક કરી સામાજિક અંતર સાથે છાત્રોને બેસાડવામાં આવ્યા હતા.

શું કહે છે શિક્ષણ અધિકારી?
સોમવારથી ધો. 1 થી 5 નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે. શાળાઓમાં છાત્રોનું સ્વાગત થયું છે. 20 માસ સુધી આવા બાળકોએ મોબાઈલમાં ઓનલાઇન શિક્ષણ મેળવ્યું છે. શાળા શરૂ થતા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે સૂચના આપી છે અને આ અંગે પૂરતું ધ્યાન રાખવામાં આવશે. >કે.ડી. કણસાગરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે
ધો. 1 થી 5 ના છાત્રોને સરકારી શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ આપવામાં આવતું હતું તેમજ ઓનલાઇન શિક્ષણ પણ આપવામાં આવતું હતું. હાલ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતા 50 ટકા છાત્રોને એકાંતરા આવવાની છૂટ છે ત્યારે છાત્રોને ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...