સોનીઓની દિવાળી સુધરી:પોરબંદરમાં ધન તેરસે 12 કરોડથી વધુનું સોનું વેચાયું, અંદાજ મુજબ દરેક શો રૂમથી 25 લાખની ખરીદી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં આ દિવાળીએ ગત દિવાળીની માફક કોરોનાની ગેરહાજરી અને વર્ષ સારું ગયું હોવાને લીધે ધન તેરસના દિવસે રૂ. 12 કરોડથી વધુ રકમના સોનાના દાગીનાઓ વેચાતા સોની વ્યાપારીઓની દિવાળી સુધરી ગઇ છે અને સોની બજારમાં તેજી જોવા મળી રહી છે.

ગત દિવાળીએ દિવાળી પહેલા કોરોના સંક્રમણને લીધે લાંબો સમય અપાયેલા લોકડાઉનને પગલે અર્થતંત્રમાં મંદીને લીધે તથા દિવાળી ટાણે જ પોરબંદરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હોવાને લીધે દિવાળી પહેલા ધનતેરસમાં શુકન સાચવવા કરાતી સોનાની ખરીદીમાં ભારે મંદી જોવા મળી હતી. ગત વર્ષે પોરબંદરની સોની બજારમાં આવેલી તમામ દુકાનો અને શોરૂમમાં માંડ માંડ રૂ. 5 થી 6 કરોડનો વેપાર થયો હતો. જેને લીધે પોરબંદરના સોની વ્યાપારીઓની ગત વર્ષની દિવાળી ફીક્કી રહી હતી. જેની સામે આ વર્ષે અર્થતંત્રમાં કોરોનાકાળ પછી તેજીનો પવન ફૂંકાયો છે અને આ દિવાળી પહેલા જીલ્લામાં એકાદ મહિનાથી કોરોનાના એકપણ કેસ આવી રહ્યા નથી.હાલ જીલ્લામાં કોરોનાગ્રસ્ત એકપણ દર્દી ન હોવાના લીધે જીલ્લો લાંબા સમયથી કોરોના મુકત થઇ ગયો છે. તે ઉપરાંત આ ચોમાસે રહી રહીને સારો એવો વરસાદ થઇ જતા વરસ સારું ગયું હોવાને લીધે ધનતેરસના દિવસે સોનીઓની દુકાન અને શોરૂમમાં સોનાના દાગીનાની ખરીદીમાં તડાકો પડયો છે. જંગી માત્રામાં પોરબંદર વાસીઓએ ધન તેરસનું શુકન સાચવવા સોનાની ખરીદી કરી રહ્યા હોવાથી પોરબંદરની સોની બજારમાં અંદાજીત 50 જેટલા શો રૂમમાં સારી ગ્રાહકી જોવા મળી રહી છે અને એક અંદાજ મુજબ સરેરાશ દરેક શો રૂમમાં 25 લાખ જેટલી રકમના સોનાની ખરીદી નીકળી પડતા આજના દિવસે પોરબંદરની સોની બજારમાં 12 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીનાની ખરીદી થઇ હોવાનું જાણવા મળેલ છે.

સોનાની ખરીદીમાં ચેન, મંગળસૂત્ર અને નેકલેસ મોખરે
ધન તેરસના દિવસે કરવામાં આવતી શુકનના સોનાની ખરીદીમાં આ વખતે મંગલસૂત્ર, નેકલેસ અને સોનાના ચેન જેવા દાગીનાની ખરીદીનું પ્રમાણ સવિશેષ જોવા મળ્યું હતું. સોનાના શુકનની સાથે સાથે મહિલાઓ આખુ વર્ષ પહેરી શકે તેવા આ પ્રકારના દાગીનાની ખરીદી વિશેષ કરી રહી છે.

ગ્રામ્ય મહિલાઓમાં સોનાનો ક્રેઝ સવિશેષ
પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી સાથે જોડાયેલા પરિવારોની મહિલાઓમાં સોનાના દાગીનાનો ક્રેઝ સવિશેષ છે. ખેડૂત પરિવારની મહિલાઓ નવા કપડા, ફેશનની ચીજો કે વાહનના શોખ પ્રમાણમાં ઓછા ધરાવે છે પરંતુ આ મહિલાઓમાં સોનાનો ક્રેઝ સવિશેષ હોવાને લીધે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ પાસે સોનાના દાગીના તોલાના હિસાબે નહી પરંતુ કિલોના હિસાબે હોય તેવું જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...