તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા મોકૂફ:શહેરમાં આજે ભગવાન જગન્નાથજી મંદિરે ભાવિકો દર્શનનો લાભ લેશે

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને પગલે રથયાત્રા મોકૂફ રાખવામાં આવી
  • ગાઈડલાઈનના પાલન સાથે ભાવિકો માટે દર્શનની વ્યવસ્થા કરાઇ

પોરબંદરમાં આજે અષાઢીબીજના દિવસે ભગવાન જગન્નાથજી મંદિરે ભાવિકો દર્શનનો લાભ લેશે. કોરોનાને પગલે રથયાત્રા મોકૂફ રખાઈ છે. રથયાત્રાના દર્શન મંદિરના પટાંગણમાં થશે. ગાઈડલાઇનના પાલન સાથે દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદરના સુદામા મંદિર સામે અંદાજે 500 વર્ષ જૂનું પૌરાણિક ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે. જેઠ સુદ 15ના દિનથી જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી છેલ્લા દર્શન આપી 15 દિવસ સુધી અંતરપટ્ટમા બિરાજે છે. 15 દિવસ બાદ અષાઢીબીજના દિને નિજ મંદિરના દ્વાર ખુલે છે અને અંતરપટ્ટનો પડદો ખુલે છે. આ મંદિરે આ વખતે પણ કોરોનાને પગલે રથયાત્રા નહિ નીકળે, પરંતુ ભાવિકો દર્શનનો લ્હાવો લઇ શકશે. આ મંદિરે આજે તા. 12/7 ને સોમવારે અષાઢીબીજના દિવસે સવારે 7 થી શાંજે 7 સુધી ભાવિકો દર્શન કરી શકશે. આ મંદિરે પૌરાણિક સિસમના લાકડાનો બનેલ રથ આવેલો છે. જે રથને શણગાર કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

આજે ભાવિકો માસ્ક પહેરી સામાજિક અંતર જાળવી ભગવાન જગન્નાથજીના દર્શન કરશે અને રથના દર્શન ગાઈડલાઈનના પાલન સાથે કરશે. મંદિરના મહંત નરેન્દ્રદાસ રામાવત તથા મહંત કમલદાસ રામાવતે જણાવ્યું છે કે, કોરોનાને પગલે આ વખતે રથયાત્રા નગરચર્યા કરવા નહિ નીકળે પરંતુ ભાવિકો દર્શન કરી શકે તે માટે રથને શણગાર કરી પટાંગણમાં મુકવામાં આવશે. પરંપરાગત રીતે મંદિરે ભગવાનના પ્રિય મગ અને ચણાની પ્રસાદી સ્વીકારવામાં આવશે. ભાવિકોએ દર્શનનો લાભ લેવા પધારવા મહંતે યાદી પાઠવી છે.

રાજાશાહી વખતનો રથ આવેલ છે
પોરબંદરના જગન્નાથજી મંદિરે રાજાશાહી વખતનો ભગવાનનો રથ બનાવવામાં આવેલ છે. 1989થી રથ જર્જરિત થતા રથયાત્રા બંધ રહી હતી બાદ 2014મા આ રથને રીપેર કરવામાં આવતા ફરી રથયાત્રા શરૂ કરી હતી. હાલ કોરોનાને પગલે 2 વર્ષથી રથયાત્રા નગરચર્યા મોકૂફ રાખવામાં આવી છે.

મંદિરમાં કાષ્ટપની મૂર્તિ આવેલી છે
પોરબંદરના 500 વર્ષ પૌરાણિક જગન્નાથજીના મંદિરે કાષ્ટપની મૂર્તિઓ આવેલી છે જેમાં શ્યામ મુખારવિંદ ધરાવતા જગન્નાથજી, લીંબુ રંગ ધરાવતા બહેન સુભદ્રાજી અને સફેદ મુખ ધરાવતા ભાઈ બલરામજી છે.

ભગવાન મામાને ઘરે ક્વોરન્ટાઇન થયા હતા
મહંત કમલદાસ રામાવતે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજી જલયાત્રા બાદ મામાના ઘરે ગયા હતા અને ત્યાં ક્વોરંટાઇન થયા હતા. 15 દિવસ બાદ ત્યાંથી પરત આવતા ભગવાન પ્રજાના હાલચાલ પૂછવા નગરચર્યાએ નીકળે છે. ભગવાનને નબળાઈ આવી જતા તેને ક્વોરંટાઇન કર્યા હતા જેથી ભગવાનને ફણગાવેલ મગ, ચણા અને ચોખાની લાડુળી રૂપી પ્રસાદ સ્વીકારવામાં આવે છે અને ભાવિકોને આ પ્રસાદ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...