ગત વર્ષની સરખામણીએ આ વખતે પતંગ અને દોરમાં 25 ટકાનો ભાવ વધારો નોંધાયો છે આમછતાં પતંગ રસિયાઓ મકરસંક્રાંતિ નિમિતની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે અને પતંગ, ફિરકી સહિતની ચીજોમાં તેજી જોવા મળે છે. મકરસક્રાંતિના તહેવાર ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં ઠેરઠેર પતંગ, ફિરકી સહિતના સ્ટોલોમાં પતંગ રસિયાઓની ભીડ જામી છે. લોકો મકરસંક્રાંતિના તહેવારને ઉજવવા આતુર બન્યા છે.
જોકે ગત વર્ષની સરખામણીએ આ વખતે પતંગ અને કાચા દોરમાં 25 ટકાનો ભાવ વધારો નોંધાયો છે આમછતાં મકરસંક્રાંતિ નિમિતે ખરીદી વ્યાપક બની છે. અને બજારમાં પતંગ, ફિરકી, કાચો દોર, બ્યુગલ સહિતની ચીજોની ખરીદીમાં તેજી જોવા મળે છે. લોકોમાં મકરસંક્રાંતિ તહેવારને લઈને ઉત્સાહ જોવા મળે છે ત્યારે બજારમાં પણ તેજી વ્યાપી છે અને શહેરીજનો આ તહેવારને ઉજવવા થનગની રહ્યા છે.
માસ્ક અને બ્યુગલનું આકર્ષણ
પતંગ રસિયાઓ વિવિધ પ્રકારના માસ્ક ની ખરીદી કરી રહ્યા છે તો સાથોસાથ બ્યુગલ ની પણ ખરીદી કરે છે. ધાબા પર માસ્ક પહેરી અને પતંગ ની મોજ માણશે તેમજ કોઈની પતંગ ચટ થશે ત્યારે બ્યુગલ વગાડી આનંદ માણશે. આ ઉપરાંત સૂર્ય કિરણ થી ચાલતા પંખા વાળી સોલાર ટોપી અને સુરક્ષિત નાના લાઈટ વાળા ફાનસ ની પણ ખરીદી થઈ રહી છે.
ઓટોમેટિક ફિરકી આવી
પતંગના સ્ટોલમાં આ વખતે ખાસ ઓટોમેટિક ફિરકી આવી છે જેમાં મોટર ફીટ કરેલ છે અને અઢી હજાર મીટર દોર છે. ફિરકી ની બન્ને સાઇડ સ્વીચ છે જે ચાલુ કરવાથી જ દોર લપેટાઈ જશે અને રિવર્સ પણ ચાલશે. જેની કિંમત રૂ. 2200 છે.
ભગવાનને ધરવાની મેટલની પતંગ
આ વખતે ભગવાનને ધરવા માટે ખાસ નવી પ્રકારની પતંગ અને ફિરકી આવી છે જેમાં મેટલની કલર વાળી પતંગ અને મેટલની ફિરકી આવી છે.
શા માટે ભાવ વધ્યા?
પતંગના વેપારી કમલભાઈ કોટેચાએ જણાવ્યું હતુંકે, જેતે વખતે કોટન ના ભાવમાં વધારો થતા કાચા દોરના ભાવ વધ્યા છે જ્યારે જેતે વખતે કાગળનો ભાવ વધ્યો હતો જેથી પતંગના ભાવ પણ વધ્યા છે. ગત વર્ષે 100 નંગ પતંગ રૂ. 320માં આવતી હતી તેનો ભાવ આ વખતે રૂ. 450 થયો છે.
ભાવ વધારો પતંગબાજો ને નહિ નડે
પતંગ રસિયાઓએ પતંગ, ફિરકી ની ખરીદી કરતા જણાવ્યું હતુંકે, આ મકરસંક્રાંતિ તહેવાર તો પરિવાર સાથે ઉજવશું અને ભાવ વધારો આ તહેવાર દરમ્યાન નડે નહીં. પતંગ ઉડાવવીએ તો પતંગ બાજોનો શોખ છે અને આ તહેવારમાં પરિવારજનો સાથે સવારથી જ ધાબા પર ધામા નાખશું અને પતંગ ચટ થાય કે ચટ કરીએ કાયપો છે ની બૂમો પાડીને આનંદ માણશું.
પતંગમાં નવી વેરાયટી?
આ વખતે પ્લાસ્ટિક અને કાગળની પતંગોમાં વેરાયટી આવી છે જેમાં સપ્તરંગી પતંગ ઉપરાંત સાઉથના ફિલ્મો, ફૂટબોલ ના ખેલાડીઓના ચિત્રો વાળી પતંગો વધુ વેચાઈ છે. ઉપરાંત નાના બાળકો માટે કાર્ટૂન વાળી પતંગો આવી છે. અડધા ફૂટથી 4 ફૂટ સુધીની પતંગો છે જેમાં રૂ. 2 થી લઈને રૂ. 300ના 1 નંગ ની પતંગો છે. જ્યારે રૂ. 10 થી માંડીને રૂ. 900 સુધીની ફિરકી જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.