નવા કુંભારવાળાની આંતરિક ગલીઓમાં હજુસુધી બ્લોક પાથરવામાં આવ્યા નથી. બિસ્માર માર્ગને કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે જેથી તંત્રને રજુઆત કરાઈ છે. પોરબંદરમાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ થતા રોડ અને ગલીઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થતાં ખોદકામ કરેલ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ગટરનું કામ થયાને લાંબો સમય પસાર થયા બાદ પણ શહેરના વોર્ડ નં.6મા નવીનીકરણ કામગીરી કરવામાં આવી નથી.
નવા કુંભારવાળા શેરી નં. 31 તથા 32 સહિતના વિસ્તારમાં ગલીઓમાં બ્લોક પાથરવામાં આવ્યા નથી. આંતરિક ગલીઓ બ્લોક થી વંચિત રાખવામાં આવી છે જેના કારણે ગલીઓ બિસ્માર હાલતમાં છે અને ઉબડ ખાબડ માર્ગને કારણે સ્થાનિકોને પસાર થવામાં તેમજ વાહન ચાલકોને પસાર થવામાં હાલાકી વેઠવી પડી રહી છે.
અન્ય વોર્ડમાં રોડ અને બ્લોક પાથરી નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ આ વિસ્તાર સહિત અસરફીનગર, તકિયા નજીકનો રસ્તો, સિંધી જમાતખાનાથી ઠક્કરપ્લોટ તરફનો મુખ્ય રોડ, મેમણજમાતખાના પાછળ, ઇબલા ભૂત પાછળનો રોડ, રહેમાની મસ્જિદ પાસેનો રસ્તા સહિતના વિસ્તારમાં રોડ નું નવીનીકરણ તથા આંતરિક ગલીઓમા બ્લોક પાથરીને નવીનીકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે જેથી તાકીદે રોડનું નવીનીકરણ અને આંતરિક ગલીઓમાં બ્લોક પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકોએ પાલિકા તંત્રને રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.