તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટરને રજૂઆત:પાલખડા અને શીંગડા ગામે સસ્તા અનાજની દુકાનો શરૂ કરવા માંગ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મહિલા સભ્યોએ કલેકટરને રજૂઆત કરી

પોરબંદરના પાલખડા અને શીંગડા ગામે સસ્તા અનાજની દુકાનો ન હોવાને લીધે આ ગામમાં રહેતા લોકોને આવું અનાજ લેવા દૂર દૂર સુધી જવું પડે છે અને ખોટો ખર્ચ કરવો પડે છે તેથી આ ગામોમાં સસ્તા અનાજની દુકાનો શરૂ કરવા પોરબંદર જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મહિલા સભ્યોએ કલેકટરને રજૂઆત કરી છે.

જિલ્લા પંચાયતના સભ્ય મંજૂબેન મોઢવાડિયા અને પોરબંદર તાલુકા પંચાયતના સભ્ય વનિતાબેન મોઢવાડિયાએ લેખીતમાં રજૂઆત કરી છે કે પોરબંદરના પાલખડા અને શીંગડા ગામની 1500 થી 2000 જેટલી વસ્તી છે. તેથી ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ વસ્તીને સુવિધા મળે તે માટે આ ગામોમાં સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ સસ્તા અનાજની દુકાનો વર્તમાન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ ગામના લોકોને સસ્તુ અનાજ મેળવવા આસપાસના ગામડાઓમાં 3-4 કીમી દૂર ધક્કા ખાવા પડે છે. જેને લીધે સમય બગડે છે અને ખોટો ખર્ચ પણ થાય છે. એક બાજુ સરકાર સસ્તુ અનાજ ઘર-ઘર સુધી પહોંચાડવાની વાતો કરે છે અને વાસ્તવિકતા જુદી હોવાને લીધે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ઘણી વખત તો આ ગામના લોકો બાજુના ગામમાં સસ્તુ અનાજ લેવા ગયા હોય ત્યારે ટેકનીકલ ફોલ્ટ કે ફીંગર પ્રિન્ટ ન હોવાને લીધે બે-બે વાર ધક્કા ખાવા પડે છે જેથી પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાય છે અને આ હાલાકી દૂર કરવા આ ગામોમાં તાત્કાલીક સસ્તા અનાજોની દુકાન શરૂ કરવી જરૂરી છે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...