રજુઆત:પોરબંદરમાં રઝળતા પશુઓને પકડવા ઝુંબેશ શરૂ કરવા માંગ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક લોકો રઝળતા પશુઓનો ભોગ બની રહ્યા છે, રજુઆત

પોરબંદરમાં ભૂતકાળમાં પોરબંદર છાયા પાલિકા તથા કમલાબાગ પોલીસ મથકના પીઆઇ એચ. બી. ઘાંધલિયા દ્વારા શહેરમાં રાત્રીના સમયે રઝળતા અને માલિકીના પશુઓ પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. રાત્રીના સમયે માલિકીના ઢોર પણ બહાર છોડી મુકવામાં આવતા હોય છે ત્યારે પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી અને તે વખતે ચીફ ઓફિસરે 1 માસમાં જ શહેરને રઝળતા પશુઓથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી પરંતુ આ ઝુંબેશ વેગ પકડે તે પહેલા જ પાલિકા ટીમ દ્વારા ઝુંબેશ બંધ કરી દેવામાં આવી.

પોલીસ તંત્ર દ્વારા સપોટ કરવામાં આવતો હોવા છતાં પાલિકા ટીમ દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. હાલ રઝળતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરમાં નિર્દોષ લોકો પશુઓના ત્રાસનો ભોગ બની રહ્યા છે. આખલા યુદ્ધને કારણે અનેક લોકો હડફેટે ચડે છે. અને ગંભીર ઈંજા પહોંચે છે. કેટલાક લોકોને આખલાએ ઈંજા પહોંચાડતા પથારીવશ બન્યા છે.

આખલા દોડાદોડી કરે છે ત્યારે અનેક વાહનોના કચ્ચરઘાણ નીકળી જાય છે. રઝળતા પશુને કારણે હડફેટે આવતા કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે હાલ શહેરની ગલીઓ અને રસ્તાઓ પર રઝળતા પશુઓ નજરે ચડે છે. ગલીમાંથી પસાર થતા સિનિયર સિટીઝનો અને બાળકો ભય અનુભવે છે. ત્યારે ફરીથી પશુ પકડવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી સામાજિક આગેવાન જયેશભાઇ સવજાણીએ પાલિકા તંત્ર, કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...