વાહનોની સેવા આપવા અપીલ:લમ્પીગ્રસ્ત ગાયોને આઇસોલેશન સુધી પહોંચાડવા વાહનોની સેવા આપવા માંગ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક સંસ્થાઓએ વાહન ધારકોને આગળ આવવા અપીલ કરી

પોરબંદર જિલ્લામાં લમ્પીગ્રસ્ત વાયરસનો ચેપ ગૌધનમાં રોજબરોજ ફેલાતો જાય છે. ગાયોની સારવાર માટે પોરબંદરની જીઆઇડીસીમાં આઈસોલેશન વિભાગ તો શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ ગાયોને ત્યાં સુધી પહોંચાડવા માટે નગરપાલિકાનું માત્ર એક જ વાહન હોય ગાયોને સમયસર આઇસોલેશન વિભાગમાં પહોંચાડી શકાતી નથી. જેના માટે સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને વાહનોની સેવા આપવા અપીલ કરવામાં આવી છે.

જીઆઇડીસી વિસ્તારમાં લમ્પીગ્રસ્ત ગાયો માટે આઈસોલેશન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ આઇસોલેશન વિભાગમાં પશુપાલન વિભાગ તથા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ગૌધનની સેવા માટે દાનની તેમજ સેવાઓની સરવાણી વહેતી કરવામાં આવી છે. અનેક લોકો દ્વારા પૌષ્ટિક લાડુ તથા ગાયોને લીલો ઘાસચારો તેમજ વેક્સિનની સુવિધા ગાયો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પરંતુ શહેરમાંથી તથા આસપાસના ગામડાઓમાંથી આવી રોગગ્રસ્ત ગાયોને આઈસોલેશન વિભાગ સુધી પહોંચાડવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.

કારણકે પોરબંદર નગરપાલિકા પાસે માત્ર એક જ વાહન હોય અને આ એક જ વાહનથી રોગગ્રસ્ત ગાયોને અહીં સુધી પહોંચાડવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે અને હજુ સુધી અન્ય વાહનોની વ્યવસ્થા થઈ શકી ન હોવાથી પોરબંદરના ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા જે કોઈ વાહન ચાલકો પાસે ગાય, નંદી કે વાછરડાઓને લઈ જઇ શકાય તેવું કોઈપણ વાહન હોય તેવા લોકોને આગળ આવવા માટે અપીલ કરવામાં આવી છે અને જે લોકો આવી મદદ કરવા માંગતા હોય તેમણે મોબાઈલ નંબર 98259 19191 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...