રજૂઆત:ચાર વર્ષ પહેલા પોરબંદરના કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં 3200 લોકોના ટોળા સામે નોંધાયેલી ફરિયાદ પરત ખેંચવા માંગ

પોરબંદર25 દિવસ પહેલા
  • ખારવા સમાજના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી સમાજના લોકો વિરૂદ્ધ થયેલી ફરિયાદ પરત લેવા રજૂઆત કરી
  • વર્ષ 2018માં ખારવા સમાજની પરિક્રમા સમયે અફવાને લઇ ટોળા એકત્ર થયા બાદ પોલીસ સાથે બબાલ થઈ હતી

પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 27-05-2018 ના રોજ ખારવા સમાજના લોકો વિરુદ્ધ ફરિયાદ લાખલ કરી હતી. જે મામલે આ ફરિયાદ પરત લેવા પોરબંદર ખારવા સમાજના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. આ બનાવ જ્યારે બન્યો હતો ત્યારે અધિક માસના અંતિમ દિવસે પરિક્રમા સમયે બે જૂથ વચ્ચેના ઝગડાની અફવાને લઇ લોકોના ટોળા એકત્ર થયા હતા જેમાં પોલીસ અને ટોળા વચ્ચે બબાલ થતા પોલીસે 32 લોકોના નામ જોગ તેમજ 3200 થી વધુ લોકો સામે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી હતી.

ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, આમા મોટા ભાગના નિર્દોષ લોકો વિરુદ્ધ ફરિયાદ થયેલી હતી જે પરત ખેંચવામાં આવે તે જરુરી છે. ગત તા. 26/5/2018 ના દિવસે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખારવા સમાજના લોકો અધિક માસના અંતિમ દિવસ શહેરની પરિક્રમા કરતા હતા તે સમયે કેટલાક આવારા તત્વો એ અફવા ફેલાવતા લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું.

થોડા સમયમાં બન્ને સમાજના આગેવાનો અને પોલીસ જવાનો અધિકારીઓ દોડી આવ્યા હતા અને વાતાવરણ શાંત કરવા મથામણ શરૂ કરી અને વિખુટા પાડવા પ્રયાસો શરૂ કર્યા હતા. બાદમા મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ કરી કેટલાક નિર્દોષ લોકોને ઘરમાંથી બહાર કાઢી માર માર્યો હતો અને વાહનોમાં નુકસાન કરેલું હતું. બાદમાં સવારે 32 લોકોના નામ જોગ અને બાકી 3200થી વધુ લોકો સામે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી હતી. જેમાં ખારવા સમાજના નિર્દોષ લોકોના નામો દાખલ થયેલા છે જેમાંથી 86 જેટલા લોકોની પોલીસે અટક કરી હતી. ત્યારે આ ફરિયાદ પરત ખેંચવા ખારવા સમાજના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ
ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ
અન્ય સમાચારો પણ છે...