રજૂઆત:પોરબંદરમાં ચોમાસા પૂર્વે પાણીના નિકાલનું આયોજન કરવા માંગ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર છાંયા નગર પાલિકાના વિપક્ષી સભ્યએ છ મુદ્દાની રજૂઆત કરી

પોરબંદરમાં ચોમાસા પૂર્વે પાણીના નિકાલનું સુચારુ આયોજન કરવા અને પીવાનું શુદ્ધ પાણી પ્રજાને મળી રહે તે માટે નક્કર આયોજન કરવા પોરબંદર–છાંયા નગરપાલીકાના વિપક્ષી સભ્યએ ચીફ ઓફીસર સમક્ષ માંગ કરી છ મુદ્દાઓમાં આયોજન કરવા રજૂઆત કરી હતી. પોરબંદર–છાંયા નગરપાલિકાના વિપક્ષી સભ્ય ફારૂકભાઈ સુર્યાએ નગરપાલિકાના ચીફ ઓફીસરને રજૂઆત કરી જણાવ્યું છે કે ચોમાસાની ૠતુ સામે આવી રહી છે. પોરબંદર–છાંયાના વિસ્તારોમાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રકચરનું ભંગાણ થયેલ છે અને ગ્રેેનેજ સુવિધાના અભાવે પરિસ્થિતિ નબળી છે તેથી ચોમાસું શરૂ થતા પહેલા દર વર્ષે ચોમાસામાં શહેરમાં ભરાતા વરસાદી પાણીને બહાર કાઢવા માટે નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવું જોઈએ.

ખાસ કરીને એમ. જી. રોડ, સુદામા ચોક જેવા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટરો ઉપલબ્ધ નથી. સીવેજ નેટવર્કમાં નિષ્ફળ પ્રોજેકટના નામે હાલના સ્ટોર્મ વોટર ગ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રકચરને તોડી પડાયું છે. હાલના સ્ટોર્મ વોટર નેટવર્કને સાફ અને સજજ કરવું જોઈએ, કચરો ભેગો થતો હોય તેવા વિસ્તારોને સાફ કરવામાં આવે, વરસાદી પાણીના નિકાલની ગટરો પૂરી પાડવી જોઈએ, ચોમાસું શરૂ થાય તે પહેલા ગટરનું નેટવર્ક જાળવવું જોઈએ અને નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તા અને પેવર બ્લોકના કામ તાત્કાલીક પૂરા કરવા જોઈએ તથા પાણી પૂરવઠા નેટવર્ક ગટર વ્યવસ્થા અને ભૂગર્ભ ગટર સાથે ભળી ન જાય તેવા પગલા લેવા જોઈએ જેથી પીવાના પાણીમાં ગટરના પાણી ભળી ન જાય અને લોકોના આરોગ્ય પર મોટો ખતરો ઉભો ન થાય અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...