ચેકિંગ:દિવાળીના તહેવાર દરમ્યાન અખાદ્ય ચીજોના વેંચાણ રોકવા ચેકિંગ કરવા તંત્ર સમક્ષ માંગ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે ચેકિંગ હાથ ધરો, શિવ શક્તિ ગ્રુપ દ્વારા રજૂઆત કરાઈ

પોરબંદરમાં દિવાળી તહેવાર દરમ્યાન અખાદ્ય ચીજો સામે તંત્ર લાલઆંખ કરે અને વધુમાં વધુ ચેકીંગ કરી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવે તેવી શિવ શક્તિ ગ્રુપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવાર દરમ્યાન લોકો મીઠાઈ અને ફરસાણની વધુ ખરીદી કરતા હોય છે ત્યારે આ તહેવાર દરમ્યાન કેટલાક વેપારીઓ બજારમાં સ્ટોલ અને લારીઓમાં મીઠાઈ, ફરસાણનું વેચાણ કરતા હોય છે. કેટલાક સ્ટોલો ખાતે મીઠાઈના વેચાણમાં એસ્કપાઇરી ડેઈટ પણ લખવામાં આવતી હોતી નથી.

ગુણવત્તા યુક્ત મીઠાઈ ફરસાણ નું વેચાણ થાય અને લોકોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તે માટે તંત્ર દ્વારા સતર્કતા રાખવી જરૂરી બની છે. કેટલાક મીઠાઈના વેપારીઓ તહેવાર અનુલક્ષીને હોલસેલ મીઠાઈ બનાવી લારીઓ મારફત અન્ય ધારકોને વેચાણ માટે આપે છે. લારીઓમાં મીઠાઈ પર પ્લાસ્ટિક પણ હોતું નથી. ખુલ્લામાં મીઠાઈ પડી રહે છે જેથી આવી મીઠાઈ આરોગ્ય માટે ગુણકારી નથી. આથી દિવાળીના તહેવાર દરમ્યાન લારીઓ અને સ્ટોલોમાં વેચાતું ફરસાણ મીઠાઈ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પૂરતું ચેકીંગ કરવામાં આવે અને નમૂના લેવામાં આવે તેવી શિવ શક્તિ ગ્રુપ ના કેતનભાઈ ઓડેદરાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે અને વધુમાં જણાવ્યું છેકે, લારી અને સ્ટોલ ધારકો પોતાની રોજીરોટી મેળવે તે સારી બાબત છે પરંતુ ગુણવત્તા સાથેની મીઠાઈ વેચવામાં આવે અને આ બાબતે તંત્ર દ્વારા અગાવથી જ સૂચના આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

દશેરા નિમિત્તે 40 નમુના લેવાયા : તંત્ર
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતુંકે, દશેરા દરમ્યાન 40 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં ફાફડા, જલેબી, ઘી સહિત અન્ય રો મટીરીયલ તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા અને આ નમૂના વડોદરા લેબ ખાતે મોકલી દીધા છે. આગામી દિવાળી નિમિત્તે પણ ઝુંબેશ હાથ ધરી મીઠાઈ ફરસાણના નમૂના લેવામાં આવશે અને ચેકીંગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...