નુકસાન:જિલ્લામાં માવઠું થતાં રવિ પાકને નુકસાન

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 હજાર હેકટરમાં ચણા, 14 હજાર હેક્ટરમાં જીરૂ અને 13 હજાર હેકટરમાં ધાણા સહિતના પાકનું શિયાળુ વાવેતર થયું

પોરબંદર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પોરબંદર સહિત સૌરાષ્ટ્ર ભરમાં છુટોછવાયો વરસાદ પડયો છે. શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા માવઠું થયું હોવાથી ખેડૂતોએ પાક વાવેતર કરેલ રવિપાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. પોરબંદર સહિત ગુજરાતભરના મોટાભાગના જીલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ હોય અને છુટા છવાયા વરસાદી ઝાપટા પડયા હોવાથી ખેડૂતો ચીંતાતૂર બન્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન સારો વરસાદ પડયો હતો.

જેના કારણે શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને પિયતની સમસ્યા ટળી હોવાથી પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ રવિપાકનું વાવેતર કર્યું હતું. પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ પંથકના સહિતના વિસ્તારોમાં સિંચાઇના પાણીની સમસ્યાનું નિરાકરણ થતા ખેડૂતોએ 1.20 લાખ હેકટરથી પણ વધુ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું અને ચાલુ વર્ષે ચોમાસામાં સારા પડેલ વરસાદથી ખેડૂતોએ સારી માત્રામાં શિયાળુ ઉત્પાદન થશે તેવી આશા સેવી હતી. પરંતુ હાલ વાતાવરણમા પલ્ટો આવતા કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોના સારા પાક ઉત્પાદનની આશા પર પાણી ફરી વળ્યું છે.

પોરબંદર જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડયા છે જેથી ખેડૂતોએ પાક વાવેતર કરેલ ચણા, ધાણા, જીરૂ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. જેથી ખેડૂતોમાં પણ નુકસાનીનો ભય સેવાઇ રહ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના બગવદર, મજીવાણા, ખાંભોદર સહિતના બરડા પંથકના અમુક ગામો તેમજ ઘેડ પંથકના દેરોદર, મિત્રાળા વગેરે ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા પડયા છે. જેથી અમુક સ્થળોએ તો માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા થયા છે. જેથી ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, ઘઉં વગેરે પાકોને પણ નુકસાન પહોંચશે. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે પુષ્કળ પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે પરંતુ શિયાળાની ઋતુમાં માવઠું થયું હોવાથી ખેડૂતોએ વાવેતર કરેલ પાકને નુકસાન પહોંચવાથી ખેડૂતો મુંઝાયા છે.

ખેડૂતો માટે સ્પેશ્યલ પેકેજ જાહેર કરવા માંગ
ધાણા, જીરૂ સહિતના શિયાળુ પાકનું પુષ્કળ પ્રમાણમાં ચાલુ વર્ષે વાવેતર થયું છે ત્યારે માવઠાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની દહેશ ઉદભવી છે. કમોસમી વરસાદ પડયો હોવાથી ખેડૂતે કરેલ વાવેતર જીરૂ, ધાણા સહિતના પાકમાં નુકસાની પહોંચી છે. જેથી ખેડૂતો માટે સ્પેશ્યલ જાહેર કરવું જોઇએ > પ્રતાપભાઇ ઓઘડભાઇ ખિસ્તરીયા, ખેડૂત અગ્રણી

માવઠાના કારણે માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે
પોરબંદર શહેરમાં માર્કટીંગ યાર્ડ ખાતે અનાજની ખરીદી થઇ રહી છે અને અહીં ઘઉં, જુવાર, કઠોળ, મગફળી સહિતના પાકોની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ માવઠના કારણે માર્કેટીંગ યાર્ડ ખાતે હરાજી બંધ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...