આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પર્યટન પર્વ નિમિત્તે 5 માર્ચના રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય લોકડાયરો યોજાયો હતો.
પોરબંદર શહેરના માધવાણી કોલેજ ખાતે આવેલા મેદાનમાં યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં જાણીતા લોકગાયિકા ગીતા રબારીએ લોકગીતો રજુ કર્યા હતા. લોક સાહિત્યકાર રાજુ ભટ્ટે લોક સાહિત્યની વાતો કરી હતી. આ ઉપરાંત હાસ્ય કલાકાર જીતુ દ્વારકાવાળા તથા કમલેશ પ્રજાપતિએ કાર્યક્રમમાં લોકો સમક્ષ હાસ્ય કલા રજૂ કરી હતી. આ ઉપરાંત પર્યટન પર્વ નિમિત્તે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કામદાર કલ્યાણ કેન્દ્રના સંતોક વિંઝુડાની ટીમ દ્વારા પ્રાચીન ગરબો રજૂ કરાયો હતો. હરેશ મઢવીની સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ ગ્રુપ દ્વારા મિશ્ર રાસ રજુ કરાયો હતો તથા શ્રી ચામુંડા મહેર રાસ મંડળ બોખીરાના લીલા રાણાવાયાના ગ્રુપ દ્વારા ઢાલ તલવાર રાસ રજૂ કરાયા હતા.
આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રેખાબા સરવૈયા, તાલુકા પંચાયત પોરબંદરના પ્રમુખ પ્રતાપ કેશવાલા સહિત અગ્રણીઓ અને અધિકારીઓ તથા જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણા પાંડાવદરા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ તથા કાર્યક્રમનું સંચાલન નિરવ જોશી એ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.