પાકિસ્તાન મરીન એજન્સીની નાપાક હરકત:એક બોટ સહિત 3 ખલાસીને ઉઠાવી ગઈ; 5 ખલાસીને છોડી દીધા, કોસ્ટગાર્ડ ખલાસીને પોરબંદર લઈ આવ્યું

પોરબંદર7 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાક. મરીન સિક્યુરિટીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતીય બોટ સહિત 3 ખલાસીનું અપહરણ કર્યું છે જ્યારે 5ને જવા દીધા હતા. કોસ્ટગાર્ડે ખલાસીને પોરબંદર જેટીએ લાવ્યા હતા. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવારનવાર ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરી લઈ જવાના બનાવો બને છે ત્યારે વધુ એક વખત પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાં પ્રવેશ કરી ભારતીય માછીમારોના અપહરણ કર્યાનો બનાવ સામે આવ્યો છે.

ગત તા. 29/1ના રોજ નવસારીની એક સત્યવતી ફિશિંગ બોટમાં 8 જેટલા ખલાસી માછીમારી કરવા નિકડા હતા અને ઓખા નજીક સમુદ્રમાં માછીમારી કરતા હતા ત્યારે એકાએક પાકિસ્તાન મરીન સિક્યુરિટીની બોટ ભારતીય જળસીમામાં ધસી આવી હતી અને આ સત્યવતી બોટને બંદૂકના નાળચે ઘેરી લીધી હતી. બોટમાં સવાર માછીમારો માંથી 5 માછીમારને એક નાનીબોટમાં છોડી દીધા હતા અને સત્યવતી બોટ સાથે 3 ખલાસીના અપહરણ કરી પાકિસ્તાન તરફ રવાના થઈ ગયા હતા.

નાની બોટમાં રહેલ 5 માછીમારોએ ભારતીય કોસ્ટગાર્ડનો સંપર્ક કરતા સમુદ્ર પાવક નામની શિપ ત્યાં પહોંચી હતી અને આ ખલાસીઓને પોરબંદરની જેટીએ વેરિફિકેશન માટે લઈ આવ્યા હતા. પાકિસ્તાન લઇ ગયેલ માછીમારોમાં મનીષ કેશવ ટંડેલ, વિજય મણિલાલ ટંડેલ અને આશિષકુમાર રમેશ પટેલ તેમજ પરત આવેલ માછીમારોમાં કિશોર ધીરુ નાયકા, મંગુભાઇ નાનુભાઈ હળપતિ, કમલેશ વયુભાઈ નાયકા, રમણ વનમાળી રાઠોડ અને રાજુ રવજી હળપતિનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...