કોરોનાએ માથુ ઉંચક્યું:બેંક મેનેજર સહિત 3 કર્મી કોરોના પોઝિટીવ, તહેવારોની ઉજવણીમાં લોકો કોરોનાની ગાઇડલાઇન વિસરી ગયા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 2 માસ બાદ કોરોનાએ માથુ ઉંચક્યું
  • ​​​​​​​​​​​​​​કોરોનાના કેસ પોઝિટીવ આવતા પોરબંદર બેંક ઓફ બરોડાની વાડિપ્લોટ બ્રાન્ચ એક દિવસ સુધી બંધ રહી

પોરબંદરમાં 2 માસ બાદ કોરોનાએ અજગર ભરડો લીધો છે. બેંક ઓફ બરોડાની વાડિપ્લોટ શાખાના બેંક મેનેજર સહિત 3 સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા બેંકની કામગીરી એક દિવસ પૂરતી બંધ રહી હતી. પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ ઓછું થયું હતું .છેલ્લે તા. 23/9/2021 ના રોજ 2 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો ન હતો.કોરોનાના દર્દી ન આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધીરેધીરે જનજીવન થાળે પડ્યું હતું. તહેવારોની ઉજવણીમાં લોકો વ્યસ્ત થયા હતા.

ગઈકાલે તા. 22 ના રોજ ધો. 1 થી 5 ની શાળાઓ પણ શરૂ થઈ છે ત્યારે ફરી કોરોનાએ દેખા દીધી છે. બેંક ઓફ બરોડાની વાડિપ્લોટ શાખાના મેનેજર સહિત 3 કર્મીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે. સવારે આ બેંક બંધ રહી હતી અને બેંક બહાર પણ લોકોની જાણકારી માટે કાગળ ચીપકાવ્યો હતો જેમા બેંક સ્ટાફને કોરોના થયો હોવાથી બેંક બુધવારે બંધ રહેશે તેવું દર્શાવ્યું હતું. મુખ્ય બ્રાન્ચના મેનેજરે જણાવ્યું હતું કે મેનેજર સહિત 3 બેંકનો સ્ટાફ કોરોના પોઝિટીવ છે. બેંકની આ બ્રાન્ચ બંધ રહેતા આ બ્રાન્ચના અનેક ગ્રાહકો પરત ફર્યા હતા. 2 માસ બાદ કોરોનાએ દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સરકારી ચોપડે માત્ર 1 દર્દી કોરોના પોઝિટીવ : બેંક બંધ રહેતા ગ્રાહકો પરત ફર્યા
પોરબંદરના ડીએસપી ઓફીસ સામે રહેતા 31 વર્ષીય પંકજ ગિરનારા નામનો કર્મી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સિવિલના આંકડામાં દર્શાવ્યું છે.

મેનેજર રાજકોટ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું
પોરબંદરના આરોગ્ય વિભાગના અધિકારી ડો. બી.બી. કરમટાએ જણાવ્યું હતું કે બેંકના મેનેજરનો રિપોર્ટ રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે અને આ મેનેજર હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં હોવાનું જણાવ્યું હતું.

હવે શું થશે?
બેંકના મેનેજર સહિત 3 કર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી આ બેંકમાં તેઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે સાથી સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. તેમજ તેઓના ઘર ને ક્વોરન્ટાઇન કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

કોરોનાનો આંકડો 3399એ પહોંચ્યો
સિવિલના આંકડા મુજબ કોરોના પોઝિટિવ દર્દીનો કુલ આંક 3399એ પહોંચ્યો છે જ્યારે ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3261એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 241233 ટેસ્ટ થયા છે.

કલેક્ટરની અપીલ
કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, લોકોએ સલામતીને ધ્યાને રાખી બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું તેમજ ભીડમાં જવાનું ટાળી સામાજિક અંતર જાળવી રાખવું જરૂરી બન્યું છે. લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...