તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોજના અમલમાં:બાંધકામ શ્રમયોગીઓ ઇ- નિર્માણ પોર્ટલ પર નોંધણી કરાવી સ્માર્ટકાર્ડ મેળવી શકશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લાના બાંધકામ શ્રમયોગીઓને વિવિધ યોજનાઓનો લાભ લેવા પોર્ટલ ખુલ્લું મૂકાયું

બાંધકામ શ્રમયોગીઓએ યોજનાઓ અંતર્ગતના લાભ મેળવવા માટે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવી જરૂરી છે. રાજયમાં બાંધકામ શ્રમયોગીના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વન્તરી આરોગ્ય રથ યોજના વગેરે અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાઓનો લાભ લેવા માટે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકો દ્વારા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે. આ માટે તા. 8/6/21 ના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઈ-નિર્માણ પોર્ટલનો શુભારંભ કરવામાં આવેલ છે. નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા અને તેની સુલભતા વધારવા તેમજ ગુજરાત રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી જાતે નોંધણી કરી શકે તે માટે ઇ-નિર્માણ પોર્ટલ (https://enirmanbocw.gujarat.gov.in/) અને પ્લે સ્ટોર પરના ઇ-નિર્માણ એપ દ્વારા બોર્ડમાં જાતે જ નોંધણી કરી શકે તેમજ જીલ્લાના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકે છે.

બાંધકામ શ્રમયોગીની નોંધણી માટેની પાત્રતા 18 થી 60 વર્ષની વય માર્યાદા, છેલ્લા 12 મહિનામાં 90 દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવાના પુરાવા સાથે આધાર કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં રેશન કાર્ડ અને બેંકની વિગતો સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે.

વધુમાં જે બાંધકામ શ્રમિક તરીકે પહેલાથી બોર્ડમાં નોધાયેલ છે તેવા નોંધાયેલા બાંધકામ શ્રમિકોની વિગતો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની માહિતી તથા મોબાઈલ નંબર અધુરી તથા ખુટતી હોવાથી જે-તે જિલ્લાના નજીકના CSC સેન્ટર પર જઈ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે જઈ તમામ ડોક્યુમેન્ટ જેવા કે 90 દિવસના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે કાર્યના પ્રમાણપત્ર, વયના પુરાવા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની માહિતી અને ઓળખના સરકારી દસ્તાવેજો સાથે તથા મોબાઈલ નંબર વેરીફાઈ કરાવીને બાંધકામ શ્રમિક તરીકેનું સ્માર્ટકાર્ડ મેળવી લેવા બાંધકામ શ્રમિકોને જણાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...