કુતિયાણાના નયડ વિસ્તારમાં રાજાશાહી વખતનો કોઝવે કોઈ તત્વોએ બંધ કરવાની કામગીરી શરૂ કરી છે. ચોમાસામાં પાણી આવશે તો 200 ખેડૂતોના 15 હજાર વિધા ખેતરોમાં પાણી ભરાશે જેથી કોઝવે ખોલવા ખેડૂતોએ આવેદન પાઠવ્યું છે.
કુતિયાણાના ઘેડ પંથકમાં આવેલ નયડ વાડી વિસ્તારમાં રાજાશાહી વખતનો કોઝવે આવેલ હતો. આ કોઝવે પાણીના નિકાલ માટેનો છે. કોઈ તત્વોએ આ કોઝવે બંધ કરવાની કામગીરી શરૂ છે. અને કોઝવેમા પાણીના નિકાલ નજીક પથ્થરો મુકવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છેકે, ઘેડ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન ઉપરવાસ માંથી પાણી આવે છે જેથી આ વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે. ખેતરોમાં પાણી ફરી વળે છે. ગત વર્ષે ચોમાસા દરમ્યાન બે વખત ઘોડાપુર આવ્યું હતું. આ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન તળાવો બે કાંઠે વહે છે અને ભાદર નદી ભરપૂર બને છે.
નયડ વિસ્તારમાં આવેલ કોઝવે બંધ કરી દીધો છે ત્યારે ચોમાસામાં પુર આવશે તો આ વિસ્તારના 200 જેટલા ખેડૂતોને અસર કરશે. કોઝવે માંથી પાણીનો નિકાલ નહિ થાય જેથી આ વિસ્તારના 15 હજાર વિધા ખેતર પાણીમાં ગરકાવ થશે. પાણી ફરી વળશે અને ખેતરોનો પાક નિષ્ફળ જશે. ખેડૂતોને પારાવાર નુકશાની આવશે તેવું જણાવી આ વિસ્તારના બહોળી સંખ્યામાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રોષભેર જણાવ્યું હતુંકે, આ કોઝવે બંધ કરવાની કામગીરી અટકાવવામાં આવે અને તાત્કાલિક પથ્થરો હટાવી કોઝવે ખોલવામાં આવે તેવી માંગ કરી છે.
ખેડૂતોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી
નયડ વિસ્તારમાં રાજાશાહી વખતનો પાણીના નિકાલ માટેનો કોઝવે બંધ કરવાની કામગીરી શરૂ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા છે. મામલતદારને આવેદન પાઠવ્યું છે અને કોઝવે ખોલવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. તસવીર - નાગેશ પરમાર
⇒ નયડ વિસ્તારના ખેડૂતોએ કોઝવે બંધ કરવાની કામગીરી શરૂ થયા અંગેનું આવેદન પાઠવ્યું છે. આ કોઝવે ખોલવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. સ્ટાફને સુચના આપી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે. - દેસાઈ, કુતિયાણાના મામલતદાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.