પોરબંદરથી અમદાવાદ, મુંબઇ અને દિલ્હીની ફલાઈટમાં પુરતા પ્રમાણમાં મુસાફરો મળતા હોવા છતા અલગ-અલગ બહાનાઓ આગળ ધરીને આ તમામ ફલાઈટ બંધ કરી દેવામાં આવી છે. તેથી પોરબંદર કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ઉડ્ડચન મંત્રીને લેખિત રજૂઆત કરી સુવિધા શરૂ કરવા માંગ કરી છે.
એક પછી એક તમામ ફ્લાઈટો બંધ કરી દેવાઈ
પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવ મોઢવાડિયાએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સિંધિયાને રજૂઆત કરતા જણાવ્યું છે કે, પોરબંદરથી અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્લીની વિમાની સેવાઓ શરૂ થઇ હતી અને તેમાં મોટી માત્રામાં મુસાફરો પણ મળી રહેતા હતા. એટલું જ નહીં પરંતુ આ વિમાની સેવા ઉદ્યોગપતિઓ, ફીશ એક્સપોટરો, વેપારીઓથી માંડીને તબીબી સારવાર માટે જતા દર્દીઓને ખુબ જ ઉપયોગી હતી. પરંતુ એક પછી એક આ તમામ ફ્લાઈટો બંધ કરી દેવાતા અને તેનું વ્યાજબી કારણ પણ નહીં જણાવતા કેન્દ્રની ભાજપ સરકાર પોરબંદરને અન્યાય કરી રહી છે. તેમ જણાવીને વધુમાં ઉમેર્યું છે કે, બંધ થયેલી તમામ ફ્લાઈટ ભાજપ સરકારે વહેલી તકે શરૂ કરવી જોઈએ.
એપ્રિલ મહિનામાં દિલ્હીની વિમાની સેવાનો પ્રારંભ થયો
ગત એપ્રિલ મહિનામાં દેશની રાજધાની નવી દિલ્હીથી પોરબંદરની વિમાની સેવાનો પ્રારંભ થયો હતો. જેમાં પહેલી ફલાઇટમાં 45 જેટલા મુસાફરો દિલ્હીથી પોરબંદર આવ્યા હતા તથા અહીંથી દિલ્હી જવા 35 મુસાફરો રવાના થયા હતા. સ્પાઇસ જેટની આ વિમાની સેવા શરૂઆતના તબક્કે અઠવાડીયામાં ચાર દિવસ નિર્ધારિત કરવામાં આવી હતી. જેમાં સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર એમ ચાર દિવસ માટે આ ફલાઇટ ઉડાન ભરતી હતી અને તેમાં પુરતા પ્રમાણમાં મુસાફરો પણ મળી રહેતા હતા. પરંતુ તેમ છતા આ ફલાઈટને બંધ કરી દેવાઈ છે.
તમામ ફલાઈટ ફરી શરૂ કરવા માગ
પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવ મોઢવાડિયાએ કેન્દ્રીય ઉડ્ડચન મંત્રી સિંધિયાને રજૂઆત કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા સુદામાની ભૂમિ પોરબંદરમાં દરરોજ હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે. પોરબંદરને હજુ પ્રવાસન ક્ષેત્રે આગળ ધપાવવું જરૂરી છે. પરંતુ પોરબંદરની કમનસીબી એ છે કે પોરબંદરના એરપોર્ટ ઉપર જે ફલાઇટો ચાલુ હતી તે કોઇ કારણોસર એક પછી એક બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પોરબંદરના એરપોર્ટ પર લગભગ ચાર માસ જેટલો સમય થયો છે, આમ છતાં એકપણ ફલાઇટ આવી નથી. ત્યારે પોરબંદરનું એરપોર્ટ ફરી શરૂ થાય તે માટે પ્રયત્નો કરવા જોઇએ અને વહેલીતકે ફલાઇટો શરૂ થાય તે લોકોના હિતમાં ખૂબ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.