પોરબંદર નગરપાલિકાના તંત્રએ મિલકતવેરામાં 10 ટકાનો વધારો જાહેર કર્યો છે. ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આ વેરો પાછો ખેંચવા માટે રજૂઆત કરી હતી. નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા અને ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ ગઈકાલે એવી જાહેરાત કરી હતી
કે પોરબંદર છાયા નગરપાલિકા શહેર તથા બોખીરા, ખાપટ, છાયા તથા ધરમપુર વિસ્તારની જનતાને તથા લાગતા-વળગતા મકાન માલિકોને તથા વહીવટકર્તાઓ તમામને જાણ કરવામાં આવે છે કે ક્ષેત્રફળ કારપેટ એરિયા આધારિત મિલકતવેરા પધ્ધતિ નિયમ અનુસાર મિલકતવેરાના દરમાં દર બે વર્ષે 10 ટકાનો વધારો કરવો ફરજીયાત હોય અને હાલ 31-3-2022 ના રોજ બે વર્ષ પૂર્ણ થયેલ હોય તેથી 01-04-2022 થી મિલકતવેરાના દરમાં 10 ટકાનો વધારો કરવાનું મંજૂર કરવામાં આવે છે.
ત્યારે પાલિકાના આ નિર્ણયનો વિરોધ દર્શાવીને પોરબંદર નગરપાલિકાના વિપક્ષી નેતા જીવનભાઈ જુંગી, ઉપનેતા ફારૂકભાઇ સુર્યા, ભરતભાઇ ઓડેદરા તથા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે પોરબંદરના અનેક વિસ્તારો પાયાની સુવિધા વિહોણા છે, ગટરની ચેમ્બરો ઉભરાઇ રહી છે તથા અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પણ સમયસર મળતું નથી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વેરા પદ્ધતિ નિયમ અનુસાર ભલે દર બે વર્ષે વધારો કરવો જરૂરી હોય પરંતુ કોરોનાની કાળ હજુ પોરબંદરને વળી નથી, બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને માછીમારી ઉદ્યોગ પણ મરણ પથારીએ પહોંચી ગયો છે. આવી પરિસ્થિતિમાં 10 ટકા જેટલો મિલકતવેરો વધારો તદ્દન ગેરવ્યાજબી છે તેમ જણાવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને નગરપાલિકાનો વધારવાના નિર્ણયને રદ્દ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.