કોંગ્રેસનું બંધ એલાન:પોરબંદરમાં કોંગ્રેસના બંધના એલાનને વ્યાપક સમર્થન મળ્યું; મુખ્ય બજારો સહિત શહેરમાં સજ્જડ બંધ

પોરબંદર21 દિવસ પહેલા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા ગુજરાત બંધનું એલાન આપવામા આવ્યુ હતુ. રાજ્યમા મોંઘાવારી, બેરોજગારી તેમજ ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે સવારે 8થી બપોરના 12 વાગ્યા સુધી બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આ બંધના એલાનને પગલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં પણ વ્યાપક સર્મથન મળ્યુ હતુ. બંધના એલાનના પગલે શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળા-કોલેજો તમામ બંધ રહી હતી. તો શહેરની મુખ્ય બજારો સહિત સમગ્ર શહેરમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું. જેમા ખાસ કરીને એમજી રોડ, બંગડી બજાર, લિબર્ટી રોડ, સોની બજાર, સુતારવાડા, માણેક ચોક સહિતની મુખ્ય બજારો સંપૂર્ણ પણે બંધ રહી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહિત પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ શહેરમાં સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખનાર તમામ નાના-મોટા વેપારીઓનો આભાર માન્યો હતો. અને આ તકે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, બંધને 100 ટકા સમર્થન મળ્યું છે. કારણ કે આજે રાજ્યની પ્રજા મોંઘાવારી, બેરોજગારી તેમજ ભ્રષ્ટાચારના કારણે ત્રસ્ત બની છે. જેથી પોરબંદર સહિત રાજ્યભરમાં તમામ વેપારીઓ અને ધંધાર્થીઓ આજના ગુજરાત બંધમાં 100 ટકા જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...