પોરબંદર શહેરમાં અલગ અલગ સ્થળોએ સ્ટોરેજ ડેમેજની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં જવાબદાર તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યું છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને આમ આદમી પાર્ટીના અગ્રણી જીવનભાઈ જુંગી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
જીવનભાઈ જુંગીએ ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે 20 થી 25 દિવસ સુધી ચાલી રહેલ કામગીરી પૂરી કરવામાં આવી નથી. શહેરના મુખ્ય માર્ગો પર ખોદકામ કરાયા બાદ વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવતું નથી. સમયસર કામ પૂર્ણ થતું ન હોવાના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા રહે છે, અને દુકાનદારોના ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી રહી છે.
દુકાનની આગળના ભાગે જ ખોદકામ થયા બાદ લાંબા દિવસ સુધી કામગીરી પૂરી થતી ન હોવાથી રાહદારીઓ અને ખરીદી કરવા આવતા ગ્રાહકોને દુકાન સુધી પહોંચવું મુશ્કેલ બને છે. ઉપરાંત જે સ્થળે ખોદકામ થયું છે, ત્યાં લોખંડની ખીલા ચડી લગાવવામાં આવી હોવાના કારણે આ લોખંડની ખીલાડીથી ગંભીર અકસ્માતનો ભય રાહદારી અને વાહન ચાલકોમાં સેવાઇ રહ્યો છે.
ઉપરાંત શિતલા ચોક કીર્તિ મંદિર સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. અહીં આવતા પર્યટકોને પણ પસાર થવું મુશ્કેલ બન્યું છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી જીવનભાઈ જુંગી દ્વારા તંત્રને રજૂઆત કરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.