પોરબંદરના લીમડા ચોક શાકમાર્કેટમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ વચ્ચે છતની સુવિધા અપાવવા નગરપાલિકાને વારંવાર રજૂઆતો થતી હોવા છતાં તંત્ર બે ધ્યાન છે, ત્યારે આ અંગે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવ મોઢવાડિયાએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, લીમડા ચોક શાકમાર્કેટમાં વર્ષોથી ધંધાર્થીઓની માંગણી છે કે ઉપર છતની વ્યવસ્થા કરી દેવામાં આવે જેથી ચોમાસા દરમિયાન તેઓને અને ગ્રાહકોને પરેશાની વેઠવી ન પડે. પરંતુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર આ મુદ્દે સંપૂર્ણ પણે નિષ્ફ્ળ છે. તેથી શાકભાજી વેચવાવાળા અને ગ્રાહકોને અનેકવિધ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે ચોમાસાની સીઝનમાં તાલપત્રી બાંધીને ધંધાર્થીઓને બેસવું પડતું હોવા છતા નક્કર કાર્યવાહી થઇ નહીં હોવાથી તે અંગેની મુખ્યમંત્રીને ફરિયાદ પહોંચાડવામાં આવી છે.
પ્રાથમિક સુવિધાઓની માગ કરાઈ
સામાજીક આગેવાને જણાવ્યું છે કે વિકાસની વાતો કરતા ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશોની અણઆવડતને કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. માટે તંત્રએ યોગ્ય આયોજન ગોઠવવું જોઈએ. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે લીમડાચોક શાકમાર્કેટના વિકાસ માટે પાલિકાએ વ્યવસ્થિત પ્રોજેક્ટ હાથ ધરવો જોઇએ જેમા લીમડાચોક શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવતા ધંધાર્થીઓ જમીન ઉપર બેસે છે. તેથી તેમના માટે બાંકડા બનાવી આપવા જોઈએ. તે ઉપરાંત ઉપર છતની વ્યવસ્થા કરી આપવી જોઈએ કે જેથી ચોમાસામાં ઉપસ્થિત થતો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ શકે જેથી ખરીદી કરવા આવતા ગ્રાહકો સહિત ધંધાર્થીઓને હેરાનગતિ વેઠવી પડે નહીં.શાકમાર્કેટમાં સ્ટ્રીટલાઇટની પણ અપૂરતી સુવિધા હોવાથી ધંધાર્થીઓને શાકભાજી વહેંચવામાં મુશ્કેલી વેઠવી પડે છે તેથી પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટલાઇટ ફીટ કરી આપવી જોઈએ.
પશુઓ ઘુસી જતા ગ્રાહકો હેરાન થાય છે
શાકમાર્કેટમાં દરવાજાઓ એ પ્રકારે બનાવવા જોઈએ કે જેથી પશુઓની ઘુસણખોરી અટકાવી શકાય કારણ કે અહીંયા ગાય,નંદી અને શ્વાન જેવા પશુઓ ઘૂસી જાય છે અને ધંધાર્થીઓ સહિત શાકભાજી ખરીદવા આવતા લોકોને પણ હેરાન પરેશાન કરી મૂકે છે.એક તો મોદીના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે,આ મોંઘા શાકભાજીને પશુઓ નુકશાની પહોચાડે છે તેથી ધંધાર્થીઓને મોટાપાયા પર નુકશાન થાય છે. બીજી બાજુ નંદી જેવા પશુઓ લોકોને ઈજા પહોચાડે છે. ભવિષ્યમાં ગંભીર અકસ્માતનો ભોગ લોકો ન બને તે માટે પાલિકાએ વ્યવસ્થિત મોટા દરવાજાઓ મૂકી દેવા જોઈએ અને શાકમાર્કેટની દીવાલો ઉંચી કરવી જોઈએ જેથી શ્વાન જેવા પશુઓ અંદર ઘુસી ન શકે.પોરબંદર નગરપાલિકાના સત્તાધીશો આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તે પ્રકારની રજૂઆત પોરબંદરના સિનીયર આગેવાન દ્વારા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.