પોરબંદરના રાણાવાવ બાયપાસ રોડ પર આવેલ પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉન તેમજ વનાણા ટોલનાકા નજીક ચમના ગોડાઉનમાં રાખેલ ઘંઉ, ચોખા, ખાંડ અને તુવેરદાળ સહિતનો 1 કરોડના જથ્થાને સગેવગે કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ ઓડીટ દરમિયાન સામે આવ્યું હતું. વર્ષ 2020થી 2023ના સમયગાળા દરમિયાન અનાજના જથ્થાની ઉચાપત થયાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ ગાંધીનગરથી ટીમો આવતા સઘન તપાસ હાથ ધરવામા આવ્યા બાદ તપાસના અંતે ગોડાઉનને સીલ કરી દેવામા આવ્યુ હતું. સમગ્ર મામલે ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી હિરલ દેસાઈ દ્વારા 12 શખ્સોને 2 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. તેમજ 12 શખ્સો વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
રાણાવાવના આ અનાજ કૌભાંડ મામલે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 406,409 સહિતી વિવિધ કલમો તેમજ આવશ્યક ચીજવસ્તુધારા અધિનિયમ હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. નાયબ જિલ્લા મેનેજર ઉષા ભોય અને ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર અશ્વિન ભોંયે તેમજ પોરબંદર જિલ્લા ભાજપના આગેવાન અને પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ પોરબંદર જિલ્લામાં પુરવઠાના ટ્રાન્સપોર્ટ તેમજ મેનપાવર સપ્લાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતા હાથિયા દુદા ખુંટી સહિત 12 આરોપીઓ અને વધુ જે લોકોના નામ તપાસમા ખુલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
આ ફરિયાદ અંગે પોરબંદર જિલ્લા ગ્રામ્ય ડીવાયએસપીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલ અશ્વિન ભોંયેનો પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને આ પૂર્વે અન્ય જિલ્લામાં પણ તેમના વિરુદ્ધ ગુનો નોંધાઈ ચુક્યો છે.
આરોપીઓના નામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.