સુવિધાઓનો અભાવ:સરકારી ભાવસિંહજી હોસ્પિટલના વિવિધ પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રી સમક્ષ ફરિયાદ

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર શહેરની સિવીલ હોસ્પિટલના વહીવટને સુધારવા કોંગ્રેસે કરી રજૂઆત

પોરબંદર શહેરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા આરોગ્ય મંત્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ આરોગ્ય મંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આસપાસના 190 ગામડાના દર્દીઓ આવે છે પરંતુ આ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે.

આ હોસ્પિટલમાં અનેક વોર્ડમાં પંખાઓ બંધ છે, હોસ્પિટલમાં વોટર કુલરની વ્યવસ્થા છે પરંતુ ગ્લાસની વ્યવસ્થા નથી, આ ઉપરાંત દવાબારી પરના કર્મચારીઓ દ્વારા દર્દીઓ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરાતું હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે. આ ઉપરાંત ડોક્ટર દવા લખી આપે છે ત્યારે તેમાંથી ક્યારેક અમુક દવા પૂરતી હોતી નથી, વળી દવાઓ પણ લગાવવાના સ્ટીકર પણ બે મહિનાથી ખલાસ થઈ ગયા છે તેથી કઈ દવા ક્યારે લેવી તેની ખબર દર્દીઓને પડતી નથી.

વળી આ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી થોડા દિવસ પહેલા એક સાયકલની ચોરી થઈ હતી અને દર્દીઓના નાના-મોટા સામાન પણ ચોરાઈ જાય છે તેથી સિક્યુરિટી હોવા છતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ હોસ્પિટલમાં સીસીટીવીની સુવિધા વધારવી જરૂરી બની છે. વળી આ હોસ્પિટલની અંદરની બાજુએ ગંદકીનું સામ્રાજ્ય પણ છવાયેલું છે. વોર્ડની કચરાપેટીઓમાંથી ગંદકી ઉભરાઈ રહી છે તેટલું જ નહીં, આ હોસ્પિટલના શૌચાલય અને બાથરૂમ પણ ગંદકીથી ખદબદે છે અને જ્યાં ને ત્યાં પાનની પિચકારીઓ મારવામાં આવતી હોવાથી ત્યાં પણ ગંદકી જોવા મળી રહી છે. આમ આ હોસ્પિટલમાં અનેક સમસ્યાઓ હોવાથી તેના નિરાકરણ માટે તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...