પોરબંદર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાની દરીયાઈ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા સ્પર્ધકનું મોત નિપજ્યુ છે. સ્વિમિંગ સ્પર્ધા દરમિયાન હૃદયરોગનો હુમલો આવી જતા અમદાવાદના વૃદ્ધ સ્પર્ધકનું મોત થયુ હતુ.
પોરબંદરના ચોપાટી ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ગત રોજ 21મી સમુદ્ર સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમા બીજા દિવસે એટલે કે રવિવારના રોજ 60 કરતા વધારેની ઉંમરના સ્પર્ધકો માટે 1 કીલોમિટરની ઈવેન્ટ યોજાઈ હતી. જેમા અમદાવાદમાં આવેલા ડી-7, નંદેશ્વર ફ્લેટ, શિવનગર સોસાયટી, ઘાટલોડીયા ખાતે રહેતા 72 વર્ષીય સ્પર્ધક પ્યારેલાલ બસંતલાલ જાખોદિયાએ પણ ભાગ લીધો હતો. જેઓને દરીયામાં સ્વિમિંગ સ્પર્ધા દરમિયાન હૃદયરોગનો હુમલો આવી જતા મોત થયુ હતું. હાજર રહેલા રેસ્ક્યુ ટીમ દ્વારા વુદ્ધને બહાર કાઠવામાં આવ્યો હતો. ત્યાર બાદ શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મુત્યુ થયુ હોવાનુ જાહેર કર્યુ હતું.
છેલ્લા 23 વર્ષથી યોજાઈ રહેલા આ સમુદ્ર સ્વિમિંગ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની પણ માન્યતા મળી હોવાથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમ પોરબંદરમાં યોજાયેલા આ સ્વિમિંગ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો મુજબ જજ કરી રહી છે. દેશભરમાંથી 900થી વધુ સ્પર્ધકોએ આ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્વિમિંગ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.