તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન શિક્ષણ સદી ગયું:ધોરણ 6 થી 8ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ, 9 ટકા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી વાતાવરણ હોવાથી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી
  • પોરબંદર જિલ્લામાં પ્રથમ દિવસે 91 ટકા વિદ્યાર્થીઓ ગેેરહાજર રહ્યા

ધો. 6 થી 8 નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે ત્યારે પોરબંદર જિલ્લામાં પ્રથમ દિવસે સરેરાશ 9 ટકા જ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. વરસાદ હોવાથી ઓછી સંખ્યા જોવા મળી હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું.કોરોના મહામારીને પગલે છેલ્લા 18 માસથી પોરબંદર જિલ્લાની પ્રાથમિક શાળાઓ બંધ રહી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું. કોરોના સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા તા. 2 સપ્ટેમ્બરના રોજ ધો. 6 થી 8ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતા ગુરુવારથી પોરબંદર જિલ્લામાં ધો. 6 થી 8ની શાળાઓ શરૂ કરવામાં આવી છે. ધો. 6 થી 8 ના વિદ્યાર્થીઓનું શાળા ખાતે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. જોકે વાલીઓની સંમતી સાથે છાત્રોને શાળાએ આવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગઈકાલે બુધવારે રાત્રીના વરસાદ પડ્યો હતો અને ગુરુવારે સવારે પણ વરસાદ વરસતો હતો ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પ્રથમ દિવસે ધો. 6 થી 8 ની શાળાઓ શરૂ થતા મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ લેવા માટે પહોંચ્યા ન હતા. પોરબંદર જિલ્લામાં શાળાઓ ખાતે સરેરાશ માત્ર 9 ટકા વિદ્યાર્થીઓ જ પ્રત્યક્ષ શિક્ષણ લેવા માટે શાળાએ હાજરી આપી હતી.

જિલ્લાની સરકારી શાળાઓમાં સરેરાશ 11.29 ટકા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા જ્યારે જિલ્લાની ખાનગી શાળાઓ ખાતે 5.14 ટકા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી આમ સરકારી અને ખાનગી શાળાઓમાં સરેરાશ 9 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વરસાદ પડતો હોવાથી પ્રથમ દિવસે છાત્રોની સંખ્યા ઓછી થઈ હોવાનું શિક્ષકો માની રહ્યા છે. વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયેલ હોવાથી છાત્રોને શાળાએ જવામાં મુશ્કેલી વેઠવી પડી હતી.

સરકારી - ખાનગી શાળાના 24,016 વિદ્યાર્થીઓમાંથી 2164 હાજર રહ્યા
પોરબંદર જિલ્લામાં સરકારી શાળા ખાતે ધો. 6 થી 8ના કુલ નોંધાયેલ 15284 છાત્રો માંથી 1725 છાત્રો હાજર રહ્યા હતા જ્યારે ખાનગી શાળાઓમાં નોંધાયેલ કુલ 8276 છાત્રો માંથી માત્ર 425 છાત્રો જ હાજર રહ્યા હતા. સરકારી અને ખાનગી શાળાના કુલ 24016 છાત્રો માંથી 2164 છાત્રો હાજર રહ્યા હતા.

કોવિડ ગાઈડલાઈનનું પાલન જરૂરી
જિલ્લામાં ધો. 6 થી 8 ની શાળા શરૂ થઈ છે. કોરોના હજુ ગયો નથી ત્યારે શાળા ખાતે તાપમાન માપક ગન, સેનેટાઈઝર, માસ્ક અને સામાજિક અંતર જળવાય તે રીતે બાળકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવું અનિવાર્ય છે. હાલ ચોમાસા દરમ્યાન તાવ સહિતના રોગચાળાની ભીતિ પણ જોવા મળે છે જેથી વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.

બરડા પંથકના વાડી વિસ્તારનાે એકપણ છાત્ર શાળાએ ન આવ્યો
વરસતા વરસાદના કારણે બરડા વિસ્તારના શ્રીનગર, કાંટેલા, કુછડી સહિતના ગામોમાં વાડી વિસ્તારના એકપણ છાત્રો શાળાએ આવ્યા ન હતા.

ધો. 6 થી 8 ની કેટલી શાળાઓ છે?
પોરબંદર જિલ્લામાં ધો. 6 થી 8 ની સરકારી શાળા 225 છે જ્યારે ખાનગી શાળા 81 છે.

ચૌટા ગામે તુલસીના રોપા આપી બાળકોને આવકારવામાં આવ્યા
ધો. 6 થી 8 નું પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ થતાં શ્રીસંસ્કાર વિદ્યાલય ચૌટાની શાળાના સંચાલક મહેશભાઈ ભીંભા તરફથી તમામ બાળકો તેમજ શિક્ષકોને તુલસીના રોપા આપી આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...