કાર્યવાહી:ખનન માટે ખનીજ માફિયાઓને મોકળું મેદાન ?!

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ માસમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ. 1.49 કરોડની મશીનરી સીઝ કરાઈ: માપણી કામગીરી તથા નોટીસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી

દોઢ માસમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ. 1.49 કરોડની મશીનરી સીઝ કરી છે જ્યારે ગેરકાયદેસર ખનન ઝડપાતા માપણી કામગીરી હાથ ધરી નોટીશ કાર્યવાહી હાથ ધરી છે.પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખાણ અને રેતી ચોરી અંગે છાસવારે ફરિયાદો ઉઠે છે ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા અંતિત વહન ના કેસ કરવામાં આવ્યા છે જેમાં દોઢ માસની વાત કરીએ તો,પાતા ગામ ખાતે આકસ્મિક તપાસ દરમ્યાન એક હિટાચી મશીન દ્વારા લાઈમ સ્ટોન ખનિજનું બિન અધિકૃત ખનન મળી આવતા મશીનને સીઝ કરી છે.

જ્યારે રોડ ચેકીંગ દરમ્યાન રાતડી ગામ પાસે એક ટ્રક રોયલ્ટી પાસ વગર બિલ્ડિંગ લાઈમ સ્ટોન ખનિજનું બિનઅધિકૃત વહન કરતા મળી આવ્યા હતા તેમજ 2 ટ્રક ત્રણ માઈલ પાસે રોયલ્ટી પાસ વગર બિલ્ડિંગ લાઈમ સ્ટોન ખનીજના વહન સબબ મળી આવતા સીઝ કર્યા છે જ્યારે રાતડી ગામ ખાતે રોડ ચેકીંગ દરમ્યાન 1 ટ્રક બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું ઓવરલોડ વહન કરતા આ ટ્રક સીઝ કરવામાં આવ્યો છે. ઉપરાંત રોડ ચેકીંગ દરમ્યાન કુતિયાણા ગામ પાસે એક ડમ્પર બ્લેકટ્રેપ ખનિંજના ઓવર્લોડ વહન સબબ સીઝ કર્યું છે તેમજ ચૌટા વાક પાસે એક રેતી ખનીજ રોયલ્ટી પાસ ટાઇમ આઉટ ટ્રકને સીઝ કરવામાં આવેલ છે.

ભારવાડા ગામ પાસે બ્લેકટ્રેપ ખનીજના ઓવરલોડ વહન સબબ સીઝ કર્યું છે. રાણાવાવ તાલુકાના ખીરસરા ગામ ખાતે તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન સબબ સીઝ કરવામાં આવેલ છે. આમ કુલ 3 હિટાચી મશીન, 2 વાહન, 5 ટ્રક, 2 ડમ્પર, 6 ચકરડી મશીન સહિત અંદાજે કુલ રૂ. 1.49 કરોડની મશીનરી સીઝ કરી છે. આ ઉપરાંત દોઢ માસમાં ઓડદર ગામ ખાતે મામલતદાર ટીમ દ્વારા લીઝ નિરીક્ષણ કરેલ જેમાં ગેરરીતિ જણાતા કારણ દર્શક નોટિસ પાઠવી ATR બંધ કરેલ છે.

રાતડી ગામ ખાતે એસઓજી તથા ખનીજ વિભાગ ટીમ સાથે 2 લિઝમાં નિરીક્ષણ હાથ ધરવામાં આવેલ, જેમાં ગેરરીતિ જણાતા લીઝધારકોને કારણદર્શક નોટિસ પાઠવી ATR બંધ કરેલ છે. જ્યારે કુતિયાણા તાલુકાના હામદપરા ગામ ખાતે ટીમ તથા એસઓજીની ટીમ સાથે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવેલ. જેમાં એક હિટાચી મશીન દ્વાર લાઈમસ્ટોન ખનિજનું બિન અધિકૃત ખનન થતું જોવા મળેલ જેથી મશીનરી સીઝ કરી માપણી કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

માધવપુર ગામ ખાતે ટીમ તથા એસઓજી સાથે 3 લીઝમાં નિરીક્ષણ હાથ ધરવામાં આવેલ જેની આગળની કાર્યવાહી ચાલુમાં છે તેમજ મોકર ગામ ખાતે તપાસ હાથ ધરી હિટાચી તથા એક ડમ્પર દ્વારા સાદી માટીનું બિન અધિકૃત ખનન-વહન થતું જોવા મળેલ, જેથી આ મશીનરી વાહનને સીઝ કરી માપણી કરી નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત માધવપુર ગામે લીઝમાં નિરીક્ષણ હાથ ધરવામાં આવેલ જેમાં ગેરરીતિ જણાતા બિન અધિકૃત ખનનમાં ઉપયોગમાં આવેલ 6 ચકરડી મશીન તથા એક પડદી કટિંગ મશીનને સીઝ કર્યા છે જ્યારે માધવપુર ગામ ખાતે બે લિઝમા સંયુક્ત તપાસ હાથ ધરી માપણીની કાર્યવાહી કરવામાં આવી છે તેવું ખાણ ખનિજ વિભાગ અધિકારીએ જણાવ્યું છે.

હજુ આકસ્મિક તપાસ હાથ ધરાશે
પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખનન ઝડપાઈ રહ્યું છે ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવશે અને ખનીજ ચોરી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ખાણ ખનિજ વિભાગ દ્વારા જણાવાયું હતું.

મશીનરી સીઝ પોલીસ મથકે રાખવામાં આવી
જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવતા દોઢ માસમાં ઝડપાયેલ મશીનરી અને વાહનો સીઝ કરી ઉદ્યોગનગર, કુતિયાણા, મિયાણી, રાણાવાવ પોલીસ મથકે તથા કલેકટર કચેરી ખાતે રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...