કાર્યવાહી:બંદર પોલીસ ચોકી નજીક સામસામે મારામારી, ઈજાગ્રસ્તો સારવારમાં

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને પક્ષે ફરિયાદ નોંધાવતા પોલીસે 6 સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી

પોરબંદરની સ્ટેટ લાયબ્રેરી પાછળ રહેતા અનિલ ઉર્ફે અનિયો પરસોતમ વઢિયા નામના આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં બંદર ચોકી પાસે રાત્રે આ પ્રૌઢ લારીએ જમવાનું લેવા ગયા હતા ત્યારે મુસ્તુફા નાશીરખાન સેરવાની અને તેનો મિત્ર રિયાઝ બન્ને શખ્સ જમતા હતા. આ પ્રૌઢ ત્યાં ઉભતા મુસ્તુફાએ માથેથી દૂર રહેવા કહેલ જેથી આ બાબતે બોલાચાલી થઈ હતી અને મુસ્તુફાએ ઉશ્કેરાઈ જઈ લારી માંથી તવી વડે પ્રૌઢને માથાના ભાગે મારી દેતા ઈંજા પહોંચી હતી.

શખ્સના મિત્ર રિયાઝે લારી પાસે પડેલ લાકડાના ધોકા વડે પ્રૌઢને માર મારવા જતા પ્રૌઢ પોતાના ઘરે અગાસી પર ચડી ગયા હતા અને મુસ્તુફાની માતા સબીરાએ શેરીના નાકે આવી, પ્રૌઢ તથા પ્રૌઢના પરિવારને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે મુસ્તુફા સેરવાનીએ ફરિયાદ નોંધાવી છે જેમાં પોતે અને તેનો મિત્ર રિયાઝ લારીએ જમતા હતા.

ત્યારે અનિલ ઉર્ફે અનિયો આવ્યો હતો અને તું મારી સામે કેમ જુએ છે તેમ કહી ગાળો કાઢી, બન્ને યુવાન જમતા હતા ત્યાં ટેબલ પરનો સ્ટીલનો જગ ઘા મારી છરી વડે મુસ્તુફાને ડાબા ખંભે 2 ઘા મારી ઈંજા પહોંચાડી હતી તથા રિયાઝ વચ્ચે પડતા તેને ડાબા હાથમાં ઈંજા પહોંચાડી હતી અને અનિલની પત્ની મનિષા તથા તેનો પુત્ર પપ્પુએ મુસ્તુફાને પકડીને મૂંઢમાર મારી મુસ્તુફા તથા સબીરાબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. અનિલ અને મુસ્તુફા સહિત ઈંજાગ્રસ્તોને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બન્ને પક્ષે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 શખ્સ સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...